વડોદરામાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આગનું કારણ જાણવા ફોરેન્સિક વિભાગની મદદ લેવાઈ છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં ફોરેન્સિક વિભાગ દ્વારા પોલીસને સુપ્રત કરવામાં આવશે. જ્યાર બાદ ઘટનાનું સાચુ કારણ બહાર આવશે.
આગનું ચોક્કસ કારણ જાણવા માટે તેમજ ભવિષ્યમાં સલામતીના અગાઉથી પગલાં લઈ શકાય તે માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે બે દિવસ દરમિયાન કામગીરી કરી ટેન્ક નંબર 68 અને 69 માંથી પાંચ-પાંચ સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત ફોરેન્સિકની ટીમે રિફાઇનરી પાસેથી ટેંકો તેમજ કેમિકલને લગતી ટેકનીકલ માહિતી પણ મેળવી હતી. ટૂંક સમયમાં તેઓ પોલીસને રિપોર્ટ પહોંચાડશે.
ગુજરાત રિફાઇનરીમાં બેન્ઝીનની ટેન્કમાં લાગેલી આગમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં એક કિમી વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ બનાવમાં બેકાબુ બનેલી આગને કારણે બાજુમાં આવેલી અન્ય ટેન્ક પણ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે તેમાં પણ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી. સમગ્ર બનાવમાં કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીના મૃત્યુ થયા હતા.