ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં રહેતા એક દિવ્યાંગ યુવકે વાડજમાં મેટ્રીમોનિયલ એજન્સીની મદદથી એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, યુવકને શંકા જતા તપાસ કરી ત્યારે તેને આંચકો લાગ્યો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હિંદુ યુવતી સમજીને જેની સાથે લગ્ન કર્યા હતા. તે યુવતી મુસ્લિમ હતી અને મેટ્રીમોનિયલ સંસ્થાના સંચાલકે મુસ્લિમ યુવતીને હિંદુ હોવાનું આધાર કાર્ડ બતાવીને છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર
બનાવની વિગતો એવી છે કે ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં રહેતા એક યુવકને લગ્ન કરવાના હોવાથી તેણે તેના એક સંબધીના રેફરન્સથી વાડજમાં ઉત્સવ સોસાયટીમાં મેરેજ બ્યુરો ધરાવતા વિનોદ સોની નામના વ્યક્તિનો નવરાત્રી પહેલા સપંર્ક કર્યો હતો. વિનોદે યુવકને ખાતરી આપી હતી કે તે તેને અનુરૂપ યુવતી શોધી આપશે. જેના બદલામાં ૨.૩૧ લાખ રૂપિયા નક્કી કરતા યુવકે તે નાણાં ચુકવી આપ્યા હતા. ત્યારબાદ વિનોદ સોનીએ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી આહિરે રોશની નામની યુવતી સાથે નવરાત્રીના પહેેલા નોરતે યુવકના લગ્ન કરાવી કરાવી આપ્યા હતા. યુવતીના પુરાવા રૂપે યુવકને આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું. પરંતુ, નવરાત્રીમાં પુજા કરતા સમયે યુવતીનું વર્તન અલગ જણાયું હતું. બીજા દિવસે તક મળતા યુવતી રોશનીનો મોબાઇલ તપાસ્યો ત્યારે તે ચોંકી ઉઠયો હતો. કારણ કે તેેને રોશનીના મોબાઇલ ફોનમાં એક આધાર કાર્ડનો ફોટો અને સ્કૂલ સર્ટીફિકેટનો ફોટો મળી આવ્યો હતો. જેમાં યુવતીનું સાચુ નામ નિખત ફાતીમા શેખ ખલીલ હતું અને તે ઔરગાબાદના અસફિયા કોલોનીની રહેવાસી હતી. જ્યારે રોશનીના નામનું આધાર કાર્ડને મોર્ફ કરીને નિખત ખલીલનો ફોટો લગાવવામાં આવ્યો હતો. સ્કૂલ સર્ટીફિકેટ મહારાષ્ટ્રના ઔરગાબાદની સરકારી શાળાનું બનાવટી આપવામાં આવ્યું હતું. આમ, યુવકને લગ્ન માટે હિંદુ યુવતી હોવાનું કહીને મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરાવીને વિનોદ સોનીએ છેતરપિંડી આચરી હતી.
છેતરપિંડીનો ભોગ બનનાર યુવકે નિખત ખલીલ નામની યુવતીની વધુ પુછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે એક સંતાનની માતા પણ છે. વિનોદ સોનીએ તેને બનાવટી આધાર કાર્ડ સાથે ખોટી ઓળખથી મોકલી હતી. સાથેસાથે ખાતરી આપી હતી કે તેને કોઇ મુશ્કેલી નહી થવા દે. બદલામાં તેને નાણાં આપવામાં આવ્યા હતા.
આ અંગે યુવકે વિનોદ સોનીનો સંપર્ક કરતા તેણે યુવકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને યુવતી લગ્ન બાદ ે પરત મુકી ગયાની ફરિયાદ દાખલ કરવાનું કહ્યું હતું. આમ, યુવક સાથે લગ્નના નામે મુસ્લિમ યુવતીને હિંદુ યુવતી તરીકે પરણાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મેટ્રીમોનિયલ વિનોદ સોનીએ રિદ્ધી સિદ્ધી મેરેજ હોલમાં લગ્ન કરાવ્યા હતા
વિનોદ સોનીએ યુવક પાસેથી ૨.૩૧ લાખ લીધા બાદ યુવતી સાથે આશ્રમ રોડ ઇન્કમ ટેક્ષ પાસે આવેલા રિદ્વી સિદ્વી મેરેજ હોલમાં હિંદુ શાસ્ત્રોક વીધિથી લગ્ન કરાવ્યા હતા. સાથેસાથે યુવતી તરફથી સાક્ષી તરીકે વિનોદ સોનીએ સહી કરી હતી. લગ્ના બે દિવસ બાદ મેરેજ રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. પરંતુ, તે પહેલા યુવતી અને મેરેજ બ્યુરોના સંચાલક વિનોદ સોનીની પોલ ખુલી પડી ગઇ હતી.
પોલીસ કાર્યવાહીથી બચવા માટે મેરેજ બ્યુરોના સંચાલકે યુવકને ધમકી આપી
હિંદુ યુવતીના નામે મુસ્લિમ યુવતી સાથે લગ્ન થયાની જાણ થતા યુવક યુવતીને વિનોદ સોનીના મેરેજ બ્યુરો પર મુકી ગયો હતો. ત્યારે પોલીસની કાર્યવાહીથી બચવા યુવક પર કેસ કરવાની ધમકી આપી હતી. જેમાં યુવતી સાથે શારિરીક સંબધ બાંધીને તેને તરછોડી મુકવાની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.