મથુરા રેલવે સ્ટેશન પર રાતે પર એક શખ્સે માતાની બાજુમાં સુતેલા બાળકની ચોરી કરીને લઈ જતો કેમેરામાં કેદ થયો હતો.
નાના બાળકને લઈને રેલવે સ્ટેશને રાત રોકાતા લોકોએ ખૂબ સાવધાની રાખવાની જરુર છે. બાળક ચોરતી ગેંગ ગમે ત્યારે ત્રાટકી શકે છે. યુપીના મથુરા શહેરમાં બનેલી આ ઘટના આંખ ઉઘાડવા માટે પૂરતી છે. એવું નથી કે ખાલી મથુરામાં જ આવું બન્યું છે. દેશમાં ગમે ત્યાં આવી ઘટના બની શકે છે. કારણ કે બાળક ચોરતી એક મોટી ગેંગ આવા કાળા કારનામા કરી રહી છે અને જરાક સરખી ભૂલ આપણને બાળકથી વંચિત કરી શકે છે.
યુપીના મથુરા રેલવે સ્ટેશન પર આજથી 6 દિવસ પહેલા જે બાળકની ચોરી થઈ હતી તે બાળક ફિરોઝાબાદ શહેરમાં ભાજપ ના એક મહિલા કોર્પોરેટરના ઘરમાંથી મળી આવ્યું છે. કોર્પોરેટર વિનિતા અગ્રવાલ અને તેમના પતિ કૃષ્ણ મુરારી અગ્રવાલે ડોક્ટર દંપતિ પાસેથી 1.8 લાખમાં બાળકને ખરીદ્યું હતું. આ દંપતિ બાળકની ચોરી કરનાર એક મોટી ગેંગનો ભાગ છે. પોલીસે જણાવ્યું કે કોર્પોરેટર અને તેમના પતિને એક છોકરો જોઈતો હતો તેથી તેમણે એક નર્સનો સંપર્ક સાધીને બાળકને ખરીદ્યો હતો.
23 ઓગસ્ટના દિવસે મથૂરા રેલવે સ્ટેશન પરથી એક અજાણ્યો શખ્સ માતાની બાજુમા સુઈ રહેલા 7 મહિનાના બાળકને ઉઠાવીને જતો હોવાનું ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઝડપાયું હતું. રાતે જ્યારે માતાપિતા તેમના બાળકને લઈને સુતા હતા ત્યારે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને બાળકને ઉપાડીને રવાના થયો હતો. આ વ્યક્તિ પ્લેટફોર્મ પર પાર્ક કરેલી ટ્રેન તરફ દોડતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.