રાજ્યમાં વરસાદે ધડબડાટી બોલાવતા અનેક રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા હતા. જેને લઇને વાહન વ્યવહારને પ્રતિકૂળ અસર પડતાં વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર રાજ્યમાં અવિરત મેઘમહેર થઇ રહી છે ત્યારે ભારે વરસાદને પગલે રાજ્યના અનેક નાના મોટા માર્ગો અને હાઇવે પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા અને માર્ગો પર વાહનોના થપ્પા લગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાતમાં હજુ અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેશે. તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં પાલનપુર-આબુ રોડ હાઈ-વે 9 કલાકથી બંધ 6 થયો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી કલેક્ટરે નેશનલ હાઈ-વે ઓથોરિટીને પાણીના નિકાલની સૂચના આપી છે. જો પાણીનો નિકાલ નહીં થાય તો પોલીસ ફરિયાદ થઈ શકે છે. તેમ પણ જાણવા મળી રહ્યું છે. વધુમાં સુરત ભારે વરસાદને પગલે જનજીવન અસરગ્રસ્ત થયું છે જેમા સ્ટેટ હાઈ-વે 65 પર પાણી ભરતા કીમ-માંડવીને જોડતા હાઈ-વે પર ટ્રાફિકજામ થયો હતો.સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોડ, કિમ ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, કિમથી માંડવીને જોડતો સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વર્યા હતા. તંત્ર દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા દરવર્ષ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકો ના વાહનો બ્રેકડાઉન થઈ રહ્યા છે. સુરત કડોદરાને જોડતા રોડ ઉપર ખાડીના પાણી ફરી વળતા બે કિલોમીટરથી લાંબો ટ્રાફિક ચક્કાજામ જોવા મળ્યો હતો.
બીજી તરફ બનાસકાંઠાના આબુરોડથી અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા હતા છેલ્લાં છ કલાકથી પાલનપુર આબુ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. જેને લીધે 6 કલાકથી અનેક નાના મોટા વાહનો હાઈવે પર અટવાયા હાઈવે પર લાગી મોટા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તો મોરબી જિલ્લામાંથી પસાર થતો જામનગર કચ્છ હાઇવે મોડી રાત્રીથી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે આ રોડ ઉપર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે જેના ડાયવર્ઝનમાં વરસાદી પાણી આવી જવાથી હાલમાં ડાઈવર્જન સંપૂર્ણ ધોવાઈ ગયું છે જેથી કરીને વાહન માટે થઈને ડાયવર્જનને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં જામનગર થી કચ્છ બાજુ જવા માટે થઈને વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટરથી વધુ ફરવા માટે જવું પડી રહ્યું છે.
એજ રીતે માંગરોળના શેરિયાજ કોઝવે પર પાણી ભરાયા હતા જેથી કોઝવેનો પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને મુશ્કેલી થઇ હતી. અવિરત વરસાદથી માંગરોળ તાલુકાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.તો ભરૂચના પણસોલી ગામે રસ્તા પર ફરી વળ્યા પાણી હતા. પણસોલી અને શીનાડા ગામને જોડતા નાળા ઉપર પાણી ફરી વળ્યા હતા. ભરૂચના અંકલેશ્વરની આમલાખાડી ડેમ ઓવરફ્લો થતાં આમલાખાડીના પાણી રોડ પર ફરી વળ્યા હતા અને પીરામણ ગામથી હાઈવેને જોડતો માર્ગ બંધ થયો હતો. કચ્છના ખડીર પંથકમાં વરસાદને લીધે બેલા-જાટાવાડા પરનો બ્રિજ ધરાશાયી થયો હતો. બ્રિજ તૂટી પડતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. વધુમાં દાંતીવાડામાં ભારે વરસાદથી બનાસ નદીના પુલ નજીક આવેલો હાઈ-વે ધોવાયો હતો.ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલતા મહેસાણા- સાબરકાંઠા જિલ્લાને જોડતો હાઇવે બંધ થયો હતો.