ઉપરવાસમાં વરસાદને કારણે હરણાવ અને સાબરમતી નદી બે કાંઠે વહી છે. ધરોઇ ડેમમાં પાણીનું લેવલ જાળવવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું
મેઘરાજા શ્રાવણ માસના સરવરિયાને બદલે ધોધમાર વરસી રહ્યા છે. વરસાદની આ ઇનિંગમાં વારો આવ્યો છે ઉત્તર ગુજરાતનો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તો ધડબડાટી બોલાવી દીધી છે. નદીઓના જળસ્તર વધતા ક્યાંક પૂરની સ્થિતિ નિર્માણ પામી છે તો ક્યાંક ડેમોના દરવાજા ખોલવાની નોબત આવી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહી છે.
ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ થતા ધરોઇ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. ભારે વરસાદને પગલે ધરોઇ ડેમના દરવાજા ખોલતા પાણી અમદાવાદ રિવરફ્રન્ટમાં આવ્યું. ઉપરવાસમાંથી પાણી આવતા અમદાવાદનું તંત્ર એલર્ટ થયું છે. ઇન્દિરા બ્રિજ ખાતે પાણીના પ્રવાહમાં વધારો થવા પામ્યો છે.
આ તરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. અમદાવાદ કંટ્રોલ રૂમ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. અમદાવાદ કંટ્રોલ રૂમથી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ધરોઇ ડેમમાંથી 66,000 ક્યુસેક પાણી છોડાયું છે. પરિણામે વાસણા બેરેજના 30માંથી 24 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલાયા છે. મેઘરાજા મહેરબાન થતા વાસણા બેરેજ ખાતે 8 હજાર 358 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. તો આવક સામે વાસણા બેરેજમાંથી 21 હજાર 630 ક્યુસેક પાણી છોડાયું છે. વાસણા બેરેજની હાલની જળ સપાટી 127 ફૂટ નોંધાઇ છે. ધરોઈ ડેમ અને નર્મદાનું પાણી સાબરમતીમાં આવતા બેરેજના દરવાજા ખોલાયા છે.