ભારતે કેનેડા જતા પોતાના વિદ્યાર્થીઓને હેટ ક્રાઇમના ચાલતા કિસ્સાઓના લીધે સાવધાન અને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.
ભારતે કેનેડા જતા પોતાના વિદ્યાર્થીઓને હેટ ક્રાઇમના ચાલતા કિસ્સાઓના લીધે સાવધાન અને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. ભારતે એક ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને કહ્યું હતું કે કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ઝડપી વધારો થયો છે. સરકારે કહ્યું છે કે વિદેશ મંત્રાલયે કેનેડામાં હેટ ક્રાઇમના કેસો અને ભારત વિરોધી ગતિવિધિઓ પર કેનેડિયન અધિકારીઓ સાથે વાતચીત કરી છે. કેનેડિયન સત્તાવાળાઓને આ ગુનાઓની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, "આ ગુનાઓ માટે જવાબદાર લોકોને કેનેડામાં હજી સુધી સજા કરવામાં આવી નથી."
ભારત તરફથી જારી કરવામાં આવેલ એડવાઇઝરીમાં ભારતીય વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે કેનેડાની યાત્રા અને અભ્યાસ કરતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે. છેલા કેટલાક સમયથી કેનેડામાં ભારતીય વિરુદ્ધના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં ભારતીયો વિષે ખરાબ કહેવામાં આવ્યું છે અને ભારતીય મંદિરોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા કેનેડાના ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ટોરેન્ટોના એક પ્રમુખ હિન્દુ મંદિર પર ભારત વિરોધી ભીતચિત્ર બનાવવાનો મામલો સામે આવ્યો હતો. ભારતે આ ઘટનાને નફરતનો ગુનો ગણાવી હતી અને કેનેડિયન અધિકારીઓને આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. ટોરેન્ટોના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના ક્યારે બની તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ટોરન્ટોમાં ભારતીય હાઈકમિશને બુધવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "અમે ટોરેન્ટોમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી આ ભીતચીત્રથી બદનામ કરવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે."
કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ટ્વિટર પર કહ્યું હતું કે, "કેનેડાના ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરને બદનામ કરવાની ઘટનાને દરેકે વખોડી કાઢવી જોઈએ. આ માત્ર એકલદોકલ ઘટના નથી. કેનેડામાં હિન્દુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા ઘણા નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓ અંગે કેનેડિયન હિન્દુઓની ચિંતા વાજબી છે."