ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને રશિયન આર્મ્સ કંપની Rosoboronexport વચ્ચે વિશાળ તાકાતવાર હથિયાર મામલે ડીલ થઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષામાં તહેનાત આ હથિયારનું નામ પંટસિર એર ડિફેન્સ સિસ્ટમ છે. આ હથિયાર પુતિનના ઘરથી આશરે 3.7 કિમીના અંતરે તહેનાત છે, જે કોઈપણ રીતે હવાઈ હુમલાને હવામાં જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ ડીલ ઈન્ડિયા-રશિયા ઈન્ટર ગવર્નમેન્ટલ કમિશનના પાંચમા સબ ગ્રુપ બેઠકમાં થઈ હતી. પુતિનના વાલદાઈ લેક નજીક સ્થિત મકાનથી 3.7 કિમી દૂર પંટસિર-એસ1 એર ડિફેન્સ સિસ્ટમ તહેનાત છે. જેથી યુક્રેનથી થતા હવાઈ હુમલાનો આકાશમાં જ જવાબ આપી શકે.
રશિયા તેની સૌથી સંવેદનશીલ ઇમારતો, મહત્વપૂર્ણ સંસ્થાઓ, રાષ્ટ્રીય મૂલ્યના સ્થળો અને વ્યક્તિઓને સુરક્ષિત રાખવા માટે પંટસિર એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેનું ઓરિજિનલ નામ SA-22 ગ્રેહાઉન્ડ છે. પરંતુ તે પંટસિર તરીકે ઓળખાય છે. આ સ્વ-સંચાલિત એન્ટિ-એર મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે.
રશિયા 2012થી ઉપયોગ કરે છે
આ મિડિયમ રેન્જ ડિફેન્સ સિસ્ટમ જમીન પરથી હવાઈ હુમલા માટે તૈયાર કરવામાં આવી છે. તેનો ઉપયોગ એન્ટી એરક્રાફ્ટ આર્ટિલરી સિસ્ટમ તરીકે પણ થાય છે. રશિયા 2012થી તેનો ઉપયોગ કરી રહ્યું છે. સીરિયા, યુક્રેન અને લિબિયાના યુદ્ધમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
4 સેકન્ડમાં દુશ્મનને ઓળખી લે છે
અત્યાર સુધીમાં 200થી વધુ મિસાઈલ સિસ્ટમ બનાવવામાં આવી છે. ત્રણ લોકો તેને એકસાથે ચલાવી શકે છે. તેમાં 5 પ્રકારની મિસાઈલનો ઉપયોગ કરી શકાય છે. મોટા ભાગના પાર્ટ્સ માત્ર રશિયામાં જ બનાવવામાં આવે છે. તે 4-6 સેકન્ડમાં દુશ્મનના ટાર્ગેટને ઓળખી લે છે અને મિસાઈલને હવામાં જ નષ્ટ કરે છે.
-50 ડિગ્રીમાં પણ કામ કરવાની ક્ષમતા
તેના કુલ છ પ્રકારો છે. જેનો ઉપયોગ રેન્જ અને સ્પીડ પ્રમાણે થાય છે. તેની રેન્જ 15થી 75 કિમી સુધીની છે. તે માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસમાં પણ કામ કરે છે. તેમાં ઉપલબ્ધ મિસાઈલનું વજન 76 થી 94 કિગ્રા છે. લંબાઈ 10.37 ફૂટ છે. આ મિસાઈલ મહત્તમ 15 કિમીની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની સ્પીડ 4692 કિમી પ્રતિ કલાક છે.
એક મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ
મિસાઇલ સિસ્ટમના એક યુનિટ પર 30 મીમીની ઓટોકેનન સ્થાપિત છે. ડ્યુઅલ 2A38M કેનનની આ તોપ એક મિનિટમાં 700 રાઉન્ડ ગોળીબાર કરે છે. તેની રેન્જ 4 કિલોમીટર છે.