"અમારે ત્યાં બાળપણમાં જ સગાઈ થઈ જાય છે અને પછી છોકરીઓના તમામ નિર્ણય સસરા પક્ષના લોકો જ લેતા હોય છે. છોકરી એ સંબંધમાંથી બહાર નીકળવા ઇચ્છતી હોય તો સંબંધ તોડવાના બદલામાં પૈસા માગવામાં આવે છે. મારાં સાસરિયાંઓએ મારી પાસેથી રૂ. 18 લાખની માગણી કરી છે."
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનાં કૌશલ્યા આ વાત કહી રહ્યાં છે અને તેઓ જે પ્રથાની વાત કરી રહ્યાં છે તે અહીં વર્ષોથી અમલમાં છે. તેને ‘ઝઘડા નાતરા’ પ્રથા કહેવામાં આવે છે.
સગાઈ નાતરા પ્રથા મુજબ, પગારિયા ગામનાં રહેવાસી કૌશલ્યાની સગાઈ તેઓ બે વર્ષનાં હતા ત્યારે જ કરી નાખવામાં આવી હતી અને 2021માં તેઓ 22 વર્ષનાં થયાં ત્યારે તેમના લગ્ન થયાં હતાં. તેમના પિતા ખેડૂત છે.
કૌશલ્યા કહે છે, "આ ત્રણ વર્ષમાં મારી સાથે ત્યાં ઘણી હિંસા થઈ. મારી પાસેથી પાંચ લાખ રૂપિયા અને એક મોટર સાયકલની માંગ કરવામાં આવી હતી, પરંતુ મારાથી સહન ન થયું એટલે હું પિયર પાછી આવી ગઈ."
કૌશલ્યાનું કહેવું છે કે તેની સાથે મારપીટ થતી હતી અને તેઓ આગળ વધુ ભણવા માગતાં હતાં અને નોકરી કરવા ઇચ્છતા હતા. તેમની પાસે લગ્નના બંધનમાંથી મુક્ત થવા માટે 18 લાખની રકમ માંગવામાં આવી હતી.
વાત વકરે તેવું કૌશલ્યાના પરિવારજનો સામાજિક દબાણ અને સંબંધ તૂટવાના ડરથી ઇચ્છતા ન હતા. તેથી શરૂઆતમાં તેમણે કૌશલ્યાને સમજાવીને અનેક વખત સાસરે પાછાં મોકલ્યાં હતાં.
કૌશલ્યા કહે છે, "મારી સાથે મારપીટ થતી હતી. હું વધુ ભણવા ઇચ્છતી હતી. નોકરી કરવા ઇચ્છતી હતી અને મને લગ્નના બંધનમાંથી મુક્ત કરવા માટે રૂ. 18 લાખની માગણી કરવામાં આવી હતી."
જોકે, 2023માં કૌશલ્યા પિયર પાછાં આવ્યાં ત્યારે તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ સાસરે પાછાં જશે નહીં.
પરિવારજનોએ તેમને ફરી મનાવવાના પ્રયાસ કર્યા હતા અને તેઓ એ પણ જાણતા હતા કે સાસરિયાંની માંગ અનુસાર પૈસા ચૂકવવાનું આસાન નહીં હોય.
આ મામલો પંચાયતમાં પહોંચ્યો હતો અને પંચાયતે નિર્ણય કર્યો હતો કે કૌશલ્યા લગ્ન તોડવાં ઇચ્છતાં હોય તો તેમણે રૂ. 18 લાખ ચૂકવવા પડશે.
કૌશલ્યા સોંદિયા સમુદાયનાં છે અને આ સમુદાયનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓમાં થાય છે. આ સમુદાયમાં લોકો પોલીસ કે કાયદાનો સહારો લેવાને બદલે પંચાયતોમાં પોતાની સમસ્યાના નિવારણને અગ્રતા આપતા હોય છે.
પેઢીઓથી અહીં 'ઝઘડા નાતરા' પ્રથાના નામે મહિલાઓને તેમના ભાગની આઝાદીથી દૂર રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.
વિકાસની બાબતમાં પગારિયા ગામ પાછળ રહી ગયું હોય તેવું લાગે છે. ગામમાં પ્રવેશતો મુખ્ય રસ્તો તૂટેલો જોવા મળે છે. અનેક ઠેકાણે કાચા રસ્તા જોવા મળે છે. અહીં મોટા ભાગની મહિલાઓ લાજ કાઢેલી જોવા મળે છે.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-5 (એનએફએચએસ-5) અનુસા, રાજગઢ જિલ્લામાં 52 ટકા મહિલાઓ અભણ છે અને 20થી 24 વર્ષની વયના કુલ પૈકીની 46 ટકા છોકરીઓ એવી છે, જેમનાં લગ્ન તેઓ 18 વર્ષની થઈ એ પહેલાં થઈ ચૂક્યાં છે. એટલે કે તેમના બાળવિવાહ થયા છે.
2011ની વસ્તી ગણતરી મુજબ, રાજગઢની કુલ વસ્તી 15.45 લાખ લોકોની છે અને તેમાં લગભગ 7.55 લાખથી વધારે મહિલાઓ છે.
મધ્યપ્રદેશના રાજગઢ ઉપરાંત આગર માળવા, ગુના સહિતના રાજસ્થાનના ઝાલાવાડથી માંડીની ચિત્તોડગઢ એવા વિસ્તારો છે, જ્યાં નાતરા પ્રથા આજે પણ ચલણમાં છે.
આવા કિસ્સાઓમાં પંચાયતોની ભૂમિકા બાબતે સીમા સિંહ કહે છે, "આવા કિસ્સાઓ પંચાયતમાં પહોંચે ત્યારે છોકરીઓ કાં તો તેનો વિરોધ કરે છે અથવા છોકરીનો પક્ષ પૈસા ચૂકવી શકે તેમ હોતો નથી, કારણ કે છોકરાના પક્ષવાળા કાયમ વધારે પૈસા માગતા હોય છે. પંચાયતમાં તેમના જ સમાજના લોકો બેસીને નક્કી કરે છે કે છોકરીએ તેની આઝાદીના બદલામાં છોકરાને કેટલા પૈસા ચૂકવવા પડશે."
સ્થાનિક પત્રકાર અને સામાજિક કાર્યકર ભાનુ ઠાકુર કહે છે, "સ્થાનિક લોકોમાં આ પ્રથાનો પ્રભાવ એટલો ગાઢ છે કે આ સગાઈને કોર્ટ મૅરેજ કરતાં પણ વધારે પાક્કી માનવામાં આવે છે."
માત્ર રાજગઢ જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષમાં ‘ઝઘડા નાતરા’ પ્રથાના 500થી વધુ કિસ્સા નોંધાયા છે.
જોકે, ભાનુ ઠાકુરના કહેવા મુજબ, આ એ મામલાઓ જ છે, જેની નોંધણી થઈ છે. નોંધણી થઈ ન હોય એવા બીજા અનેક કિસ્સાઓ છે. તેથી આવા કિસ્સાઓની વાસ્તવિક સંખ્યા વધારે હોઈ શકે છે.
આ પ્રથા વિરુદ્ધ એક દાયકાથી પણ વધુ સમયથી કામ કરી રહેલાં સામાજિક કાર્યકર મોના સુસ્તાની માને છે કે આ પ્રથા મહિલાવિરોધી છે અને પિતૃસત્તાક વિચારધારાને પ્રોત્સાહિત કરે છે.
તેઓ કહે છે, "મારાં લગ્ન એક રાજકીય પરિવારમાં થયાં છે અને 1989માં મારાં લગ્ન થયાં ત્યારે હું આ પ્રથાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેં આ પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો."
છોકરીઓ પર આર્થિક બોજો ન પડે એટલા માટે ‘ઝઘડા નાતરા’ પ્રથા હેઠળના મામલાઓમાં હસ્તક્ષેપના પ્રયાસો તેમની સંસ્થા કરે છે. અનેક કિસ્સામાં તેમને સફળતા પણ મળી છે.