Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 15 November 2024

ખાલિસ્તાનીઓનું નવું કારસ્તાન : કેનેડા અમારું, ગોરાઓ ઈંગ્લેન્ડ ભાગે

ખાલિસ્તાનીઓનું નવું કારસ્તાન : કેનેડા અમારું, ગોરાઓ ઈંગ્લેન્ડ ભાગે
કેનેડામાં રહીને ભારતમાં ખાલિસ્તાનની માગણી કરનારા શીખોને અત્યાર સુધી ટ્રુડો સરકાર સમર્થન આપતી હતી, પરંતુ હવે આ જ ખાલિસ્તાનીઓ તેમને આશરો આપનારા કેનેડાના ગોરા લોકોના વિરુદ્ધમાં રસ્તા પર ઉતર્યા છે. અત્યાર સુધી હિન્દુઓ પર હુમલા કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોએ હવે કેનેડાવાસીઓને ધમકી આપવાનું શરૂ કર્યું છે. હવે કેનેડાના રસ્તા પર 'કેનેડા અમારું છે, ગોરાઓ ઈંગ્લેન્ડ ભાગે'ના સૂત્રોચ્ચાર ગુંજી રહ્યા છે. આ સાથે કેનેડાના નાગરિકો ખાલિસ્તાનીઓની આ રેલીથી ગભરાયા છે.

કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારની સુરક્ષા ધરાવતા ખાલિસ્તાની સમર્થકો હવે બેફામ બન્યા છે. તેમણે હવે કેનેડાના સ્થાનિક લોકોને જ ઘૂસણખોર ગણાવી તેમને ધમકી આપવાનું શરૂ કર્યું છે. ખાલિસ્તાની સમર્થકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે સેંકડો ખાલિસ્તાની સમર્થકો રસ્તા પર ઉતર્યા છે અને રેલી કાઢી છે. 

વીડિયોમાં એક ખાલિસ્તાની સમર્થકને કહેતા સાંભળી શકાય છે કે કેનેડા તેમનું છે. ગોરા લોકોએ ઈંગ્લેન્ડ અથવા યુરોપ જતા રહેવું જોઈએ. વીડિયોમાં ખાલિસ્તાની સમર્થકોને એક જુલુસ કાઢતા પણ જોઈ શકાય છે. કેમેરાની પાછળથી એક વ્યક્તિ સતત બોલતો રહે છે કે કેનેડા અમારો દેશ છે. ગોરા લોકોએ આ દેશ છોડી દેવો જોઈએ.

બે મિનિટના આ વાયરલ વીડિયોમાં ખાલિસ્તાની સમર્થકો કેનેડિયન લોકોને 'ઘૂસણખોર' પણ કહી રહ્યા છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે, 'ખાલિસ્તાની સરે બીસીમાં માર્ચ કરી રહ્યા છે અને દાવો કરે છે કે તેઓ કેનેડાના માલિક છે અને ગોરા લોકોએ યુરોપ અને ઈઝરાયેલ પાછા જતા રહેવું જોઈએ.' અમે આ લોકોને અમારી વિદેશ નીતિને આકાર આપવા નહીં દીએ.

આ ઘટનાથી ખાલિસ્તાની સમર્થકોને આશ્રય આપી રહેલી ટ્રુડો સરકારની ચિંતા વધી ગઈ છે. કેનેડામાં સરકારનો ટેકો ધરાવતા ખાલિસ્તાની સમર્થકો બેફામ બની ગયા છે. તેઓ કેનેડાના બધા જ પાસા પર પોતાનો કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દરમિયાન સરેમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરના વિશ્વાસુ અને ખાલિસ્તાની ટાઈગર ફોર્સનું સુકાન સંભાળી રહેલા અર્શ દલ્લા ઉર્ફે અર્શદીપસિંહની કેનેડા પોલીસે થોડાક દિવસ પહેલાં ધરપકડ કરી હતી. હવે કેનેડા પોલીસે તેની પાસેથી અનેક હાઈટેક હથિયારો જપ્ત કર્યા છે. સૂત્રો મુજબ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે ખાલિસ્તાની આતંકીઓને હથિયારો મોકલી રહી છે. અર્શ દલ્લા પાસેથી મળેલા હથિયારો ખાલિસ્તાન સમર્થક પ્રવૃત્તિઓમાં તેની વધતી સંડોવણીની પુષ્ટી કરે છે.

સૂત્રો મુજબ કેનેડામાં ૨૮ ઑક્ટોબરે અર્શ દલ્લાને ગોળી વાગી હતી. દલ્લા તેની કારમાં હોલ્ટન વિસ્તારમાંથી જઈ રહ્યો હતો ત્યારે તેની કારમાં રખાયેલા હથિયારમાંથી આકસ્મિક ગોળીબાર થતાં તેને ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ધરપકડ કરાઈ હતી. સૂત્રો મુજબ પોલીસે તેની તપાસ કરતા પોલીસને તેના ઘરના ગેરેજમાંથી પ્રતિબંધિત હથિયારો અને કારતૂસો મળ્યા હતા. મૂળ પંજાબના મોગાના નિવાસી અર્શ દલ્લા પર ૧૧ કલમો લગાવાઈ છે.