જામનગર એરફોર્સ વિભાગનું એક હેલિકોપ્ટર આજે (17 નવેમ્બર) બપોર દરમિયાન ઉડાન ભરી રહ્યું હતું, જે દરમિયાન એકાએક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. ત્યારબાદ તાત્કાલિક હેલિકોપ્ટરને લાલપુર તાલુકાના ગોવાણા ગામે સીમ વિસ્તારમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ જામનગર એરફોર્સની અન્ય ટીમો દોડતી થઈ હતી. ટેક્નિકલ વિભાગની ટીમ સહિતની ટીમ અન્ય હેલિકોપ્ટર તથા વાહનો મારફતે લાલપુરના ગોવાણા ગામે પહોંચી ગયા હતા. બનાવના સ્થળે પહોંચી જઈ સૌપ્રથમ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.
ત્યારબાદ તાત્કાલિક અસરથી હેલિકોપ્ટરમાં ખામી દૂર કરી હતી, અને સાંજના સમયે હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન લાલપુરના ગોવાણાના ગ્રામજનો ઉપરોક્ત વિસ્તારમાં એકત્ર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટનામાં કોઈ અકસ્માત કે જાનહાનિના અહેવાલો મળ્યા નથી. સમગ્ર મામલામાં એરફોર્સની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.