Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Sunday, 19 January 2025

રોટલો ન મળતાં અનેક રત્નકલાકારો હંમેશા માટે સુરતનો ઓટલો છોડી ગયા, ગમે તે કામ કરી ગુજરાન ચલાવવા મજબૂર

રોટલો ન મળતાં અનેક રત્નકલાકારો હંમેશા માટે સુરતનો ઓટલો છોડી ગયા, ગમે તે કામ કરી ગુજરાન ચલાવવા મજબૂર
હીરાઉદ્યોગની મંદીને કારણે રત્નકલાકારોમાં ઉચાટ અને અંજપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે. લાખો લોકોને રોજગારી આપતો સુરતનો અગ્રીમ વ્યવસાય આર્થિક મોરચે વેન્ટિલેટર ઉપર મુકાયો છે. મંદીના વાદળ ક્યારે વિખરાશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જેની સીધી અસર રત્નકલાકારોના જીવન ઉપર પડી રહી છે. હીરાઉદ્યોગમાં છવાયેલી મંદીને કારણે રોટલો રળવાનું બંધ થતાં અનેક રત્નકલાકારો હંમેશા માટે સુરતનો ઓટલો છોડી ગયા છે.

ઘેરી મંદીના વમળમાં ફસાયા રત્નકલાકારો

હીરાઉદ્યોગ કારમી મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. રત્નકલાકારો પેટીયું રળી શકે એટલી આવક મેળવવા માટે પણ અન્ય વ્યક્તિ ઉપર મોહતાજ બન્યા છે. હીરાની ચમક-દમક પાછળ છવાયેલી ઘેરી મંદીના વમળમાં ફસાયેલા રત્નકલાકારો રોજીરોટી માટે અન્ય વેપાર-ધંધા તરફ ડાયવર્ટ થયા છે. તો, પરિવાર માટે રોટલો કમાવવા વતનનું ઘર છોડી સુરતમાં પડાવ નાંખનારા દિવાળીમાં ગામ ગયા બાદ હંમેશા માટે સુરતને અલવિદા કરી ચૂક્યા છે.

દિવાળી વિત્યાના બે માસ પછી પણ તેઓ સુરત આવ્યા નથી. સુરતને કાયમી ધોરણે ગુડબાય કરી ચૂકેલા સોમનાથ જિલ્લાના ઊના તાલુકામાં આવેલા મોઠા ગામમાં રહેતા વનરાજ ગોહિલે કહ્યું કે, 'સુરતમાં રત્નકલાકાર તરીકે નોકરી મળતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. થોડા જ દિવસોમાં કારમી મંદીના દિવસો શરૂ થયા હતા. આ સાથે જ મહિને 3500 રૂપિયાનું ઘર ભાડું ભરવાના રૂપિયા પણ નહીં નીકળતા અન્ય વિકલ્પ ઉપર વિચારણા કરવા મજબૂર થવું પડ્યું હતું. હીરાના કારખાનાં બંધ થતાં આવક માટે અન્ય સ્થળે પણ દોડધામ કરી હતી. જોકે, સુરતમાં જીવનનિર્વાહ કરી શકાય એટલું મહેનતાણું પણ નહીં મળતા આખરે કાયમ માટે સુરત છોડી વતન આવી જવું પડ્યું હતું. હાલ વતનમાં ખેતીકામ કરી પરિવારનું પેટિયું રળી રહ્યાં છે.'

મ દીએ ભવિષ્યની આશા ઉપર પાણી ફેરવી દીઘું : સુભાષ માણસુરિયા

મૂળ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વતની સુભાષ માણસુરિયાએ જણાવ્યું કે, સુરતમાં રત્નકલાકાર તરીકે એક દાયકા સુધી કામ કર્યું. ભાડાના ઘરમાં પરિવાર સાથે રહી દિવસો વિતાવ્યા. જોકે, વર્તમાન મંદીએ ભવિષ્યની તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું. આવક માટે અન્ય કોઈ વિક્લ્પ બચ્યો નહીં હોય છેવટે દેવું કરી વધુ નિરાશાની ગર્તામાં ધકેલાઈ જવાને બદલે વતન પરત જવા મજબૂરીવશ નિર્ણય લેવો પડ્યો. વતનમાં ખેતીકામમાં છૂટક મજૂરી કરી પરિવારનું પાલન કરવાનું શરૂં કર્યું છે.

ડાયમંડ વર્કર એસોસિયેશનના રમેશભાઈ જીલરીયાએ કહ્યું કે, હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. મંદીને પગલે કેટલા રત્નકલાકારો સુરત છોડી ગયા તેનો કયાસ કાઢવો મુશ્કેલ છે. પરંતુ ભાડાના ઘરમાં રહેતા અનેક રત્નકલાકારોએ તેમનું મકાન કાયમી ધોરણે ખાલી કરી ચાવી મકાનમાલિકને સોંપી દીધી હોવાની હકીકતની અવગણના કરી શકાય તેમ નથી. અનેક રત્નકલાકારો સુરત શહેર હંમેશા માટે છોડી ગયા છે.