અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલી ચાદર મજાર પર ચઢાવવામાં આવશે. ત્યારે હિન્દુ સેનાએ અજમેર જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરીને વડાપ્રધાન મોદી તરફથી મોકલવામાં આવેલી ચાદર પર તાત્કાલિક રોક લગાવવાની માગ કરી છે.
વડાપ્રધાન દ્વારા અજમેર શરીફ દરગાહ પર ચાદર મોકલવા વિરૂદ્ધ હિન્દુ સેનાની અરજી પર શનિવાર (4 જાન્યુઆરી) સવારે 10 વાગ્યે સુનાવણી થશે. અજમેરના સિવિલ જજ મનમોહન ચંદેલની કોર્ટમાં તેના પર સુનાવણી થશે. જો કે, ખ્વાજાની દરગાહને શિવ મંદિરનો દાવો કરનારા વિષ્ણુ ગુપ્તાનું કહેવું છે કે, 'વડાપ્રધાન પદ દ્વારા ચાદર મોકલવાથી અમારો કેસ પ્રભાવિત થશે એટલા માટે તાત્કાલિક ચાદર મોકલવા પર રોક લગાવવી જોઈએ.'
અજમેરમાં ગોઠવાઈ સુરક્ષા વ્યવસ્થા
જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદરને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ 4 જાન્યુઆરીએ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીની ચિશ્તીની દરગાહ શરીફ પર લાવશે. તે પહેલા અજમેરમાં જિલ્લા તંત્ર એલર્ટ છે અને સુરક્ષાના જરૂરી બંદોબસ્ત કરી લેવાયા છે. અજમેરના ડિવિઝનલ કમિશ્નર મહેશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે, 'જિલ્લા તંત્ર અને પોલીસ તંત્રએ સારી વ્યવસ્થા કરી છે, જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.'
અજમેર રેન્જના ડીઆઈજી ઓમપ્રકાશ મેઘવાલે જણાવ્યું કે, 'પાંચ હજાર પોલીસ કર્મચારીઓને અહીં પર તૈનાત કરી દેવાયા છે. સીસીટીવી કેમેરા અને ડ્રોનથી સુરક્ષા વ્યવસ્થા પર બાજ નજર રાખવામાં આવશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂના આગામનને ધ્યાને રાખીને તમામ તૈયારી કરાઈ ચૂકી છે.'
જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ માટે મોકલવામાં આવેલી ચાદરને કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂ શુક્રવાર સવારે નિઝામુદ્દીન દરગાહ લઈને પહોંચ્યા.