તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપે રાજ્યભરમાં મોટાભાગની બેઠકો પર કબજો જમાવ્યો છે. જેમાં કપડવંજ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય થયો હતો. ભાજપે કુલ 26 બેઠકોમાંથી 18 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 6 અને અપક્ષને ફાળે 2 બેઠકો ગઇ હતી. એટલે કે ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી હતી.પરંતુ છતાં ભાજપનું સત્તા મેળવવાનું સપનું સાકાર નહી થાય. ત્યારે આવો સમજીએ એવા તે કયા સમીકરણો સર્જાયા છે કે બહુમતિ છતાં ભાજપ નહી પરંતુ કોંગ્રેસના પ્રમુખ રાજ કરશે.
કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 26 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે 18 બેઠકો જીતી સંતોષ માનવો પડ્યો છે જ્યારે કોંગ્રેસે 6 બેઠકો જીતી છે તો બીજી તરફ અપક્ષના ફાળે 2 બેઠકો ગઇ છે. ભાજપે લાંબા સમયગાળા બાદ કોંગ્રેસ પાસેથી કપડવંજ તાલુકા પંચાયતની બેઠક આંચકી લીધી હતી. પરંતુ કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીત ભાજપ માટે ટુંકા ગાળાની સાબિત થઇ છે. મોંઢામાં આવેલો કોળિયો છિનવાઇ ગયો છે.
કારણ કે તાલુકા પંચાયતના પ્રમુખની બેઠક રોટેશન મુજબ અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત છે. તેલનારની બેઠક પરથી કોંગ્રેસના જશીબેન કાનજીભાઈ વણકર ચૂંટાયા છે. અન્ય કોઈ દાવેદાર ન હોવાથી કોંગ્રેસના મહિલા બિનહરીફ પ્રમુખ બનશે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 63 અને તે હેઠળના તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી પ્રમુખના અનામત હોદ્દાની વારાફરતી ફાળવણીની રીતનો નિયમ છે.