ભારતીય ચૂંટણીને પ્રભાવિત કરવા માટે અમેરિકન આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી (USAID) ની કથિત ભૂમિકાને લઈને દેશમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન નાણા મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે USAID એ 2023-24માં 750 મિલિયન અમેરિકન ડોલર (લગભગ 65 અબજ રૂપિયા) ના 7 પ્રોજેક્ટ્સનું ફન્ડિંગ કર્યું હતું.
રિપોર્ટ અનુસાર USAID નું ફન્ડિંગ કૃષિ અને ખાદ્ય સુરક્ષા, જળ, સ્વચ્છતા અને સાફ-સફાઈ, નવીનીકરણીય ઊર્જા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આરોગ્ય સંબંધિત પ્રોજેક્ટ્સ માટે હતું. નાણા મંત્રાલયે પોતાના રિપોર્ટમાં જાણકારી આપી કે ભારતને અમેરિકાથી 1951માં મદદ મળવાનું શરૂ થયું હતું. યુએસએઆઈડી તરફથી અત્યાર સુધી ભારતને 555 પ્રોજેક્ટ્સ માટે 1700 કરોડ રૂપિયાની આર્થિક મદદ મળી ચૂકી છે.
રિપોર્ટ દ્વારા જયરામ રમેશે ભાજપ પર સાધ્યું નિશાન
આ રિપોર્ટનો હવાલો આપતાં કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ શેર કરતાં લખ્યું, 'જે સાત પ્રોજેક્ટ્સનું ફન્ડિંગ આપવામાં આવ્યું છે તેનો 'વોટર્સ ટર્નઆઉટ' વધારવાથી કોઈ સંબંધ નથી. કેન્દ્રીય નાણા મંત્રાલયે જ વડાપ્રધાન અને તેમની ખોટી બ્રિગેડના જૂઠ્ઠાણાને સંપૂર્ણરીતે ઉજાગર કર્યું છે, જેમાં તેના ચતુર વિદેશ મંત્રી પણ સામેલ છે. નાણા મંત્રાલયના 2023-24ના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, યુએસએઆઈડી વર્તમાનમાં ભારત સરકારના સહયોગથી સાત પ્રોજેક્ટ્સને લાગુ કરી રહ્યું છે. જેનું સંયુક્ત બજેટ લગભગ 750 મિલિયન ડોલર છે. તેમાંથી એક પણ પ્રોજેક્ટસનું મતદાતા મતદાનથી કોઈ લેવાદેવા નથી.'
ફન્ડિંગને લઈને વિદેશ મંત્રીએ શું કહ્યું?
યુએસએઆઈડી પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 'ટ્રમ્પ તંત્રના લોકો દ્વારા અમુક જાણકારી સામે મૂકવામાં આવી છે અને આ ચિંતાજનક છે. મને લાગે છે કે સરકાર તરીકે અમે આની તપાસ કરી રહ્યાં છીએ. મારું માનવું છે કે તથ્ય સામે આવશે. યુએસએઆઈડીને સદ્ભાવના સાથે, સદ્ભાવનાપૂર્ણ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. હવે અમેરિકાથી સૂચન આપવામાં આવી રહ્યાં છે કે આવી પ્રવૃત્તિઓ છે જે દુર્ભાવનાપૂર્ણ છે. આ ચિંતાજનક છે અને જો તેમાં કંઈક છે તો દેશને ખબર હોવી જોઈએ કે આમાં કોણ સામેલ છે.'
શું છે USAID?
અમેરિકન આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી, અમેરિકન સરકારની વિદેશી સહાયતા એજન્સી છે. તેના માધ્યમથી અમેરિકા વિશ્વભરમાં વિભિન્ન કાર્યક્રમોને આર્થિક મદદ પહોંચાડે છે. વિશ્વભરના 60થી વધુ દેશોમાં યુએસએડના કાર્યાલય છે. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ અનુસાર આ એજન્સીમાં લગભગ 10 હજાર લોકો કામ કરતાં હતાં. તેમાંથી બે તૃતીયાંશ કર્મચારીઓની તહેનાતી વિદેશોમાં છે.