મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ શરુ થઈ ગઈ છે. ભાજપના સ્વર્ગસ્થ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેએ એમ કહીને રાજકરણ ગરમ કરી દીધું છે કે, 'જો મારા પિતાના સમર્થકો ભેગા થઈ જશે તો તેઓ એક નવી રાજકીય પાર્ટી બનાવી શકે છે.' રવિવારે નાસિકમાં સ્વામી સમર્થ કેન્દ્ર ખાતે એક કાર્યક્રમમાં પંકજા મુંડેએ સંબોધન દરમિયાન આ નિવેદન આપ્યું હતું. આ વાત તેના પિતા ગોપીનાથ મુંડેને સન્માન આપવાની એક વાત હતી અને આ સાથે તેમણે ભાજપને અપ્રત્યક્ષ રીતે ચેતવણી પણ આપી દીધી છે. તેમના આ નિવેદનથી મહારાષ્ટ્રના રાજકરણમાં અનેક અટકળો શરુ થઈ ગઈ છે.
પંકજા મુંડેની બળવાની આડકતરી ચીમકી
પંકજા મુંડેએ આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, 'લોકો માત્ર ગોપીનાથ મુંડેની પુત્રી હોવાને લીધે મારી સાથે નથી જોડાતા પરંતુ તેઓ મારા પિતાના ગુણ અને તેમના પ્રેમને કારણે મારી સાથે જોડાય છે.' પંકજા મુંડેના આ નિવેદનથી ખબર પડે છે કે તે તેમના પિતાના રાજકીય વારસાને કેટલી ગંભીરતાથી લે છે અને તેમને લાગે છે કે તેમના સમર્થકો હજુ પણ એક થઈ શકે છે અને એક મુખ્ય રાજકીય પાર્ટી બનાવી શકે છે. તેમણે કહ્યું કે, 'ગોપીનાથ મુંડેને પ્રેમ કરનારા લોકોની એક પાર્ટી છે. ગોપીનાથ મુંડે ભાજપની સ્થાપના થઈ ત્યારથી જ તેની સાથે કામ કર્યું હતું.'
ભાજપના મોવડીમંડળ પંકજા મુંડેના નિવેદન પર મૌન
જો કે, હજુ સુધીમાં ભાજપના નેતાઓએ પંકજા મુંડેના આ નિવેદનની સત્યતા અને તેની પાછળના હેતુ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. પાર્ટી તરફથી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આવી નથી, જેના કારણે મામલો વધુ રહસ્યમય બની ગયો છે. પંકજા મુંડેના આ નિવેદન પછી મહારાષ્ટ્રની રાજકીય દિશા કઈ દિશામાં વળશે અને શું આ માત્ર એક નિવેદન છે કે તેની પાછળ કોઈ ઊંડું રાજકારણ છુપાયેલું છે તે જોવું રસપ્રદ રહેશે!