અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાંથી ગેરકાયદે રહેતા ભારતીયો વિરુદ્ધ કડક અપનાવ્યા બાદ હવે અન્ય દેશોએ પણ આવી કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. મળતા અહેવાલો મુજબ બ્રિટનમાં ઘણી ભારતીય હોટલો અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક ભારતીયોની ધરપકડ કરાઈ છે.
જાન્યુઆરીમાં 609ની ધરપકડ
બ્રિટનના ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દેશમાં ગેરકાયદે કામ કરનારાઓને હટાવવા માટેનું એક અભિયાન છે. ગૃહસચિવ યવેટ કૂપરે કહ્યું કે, અમારા વિભાગે જાન્યુઆરીમાં 828 પરિસરોમાં દરોડા પાડ્યા છે, જેમાં 609 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સંખ્યા ગત વર્ષની તુલનાએ 73 ટકા વધુ છે.
અનેક સ્થળે દરોડા પડાયા
વિભાગે કહ્યું કે, દરોડા દરમિયાન રેસ્ટોરન્ટ્સ, ટેકવે અને કાફે તેમજ ફૂડ, બેવરેજ અને આવા અનેક ઉદ્યોગો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, ઉત્તર ઈંગ્લેન્ડના હંબરસાઈડ સ્થિત એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
‘ગેરકાયદે લોકોના કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે’
ગૃહ વિભાગના સચિવે કહ્યું કે, ‘સ્થળાંતર નિયમોનું સન્માન કરવું જોઈએ અને તેને લાગુ કરવા જોઈએ. લાંબા સમયથી નોકરીદાતાઓ ગેરકાયદે પ્રવાસીઓને પોતાના ત્યાં કામ કરાવતા રહે છે અને તેમનું શોષણ પણ કરે છે. ઘણા લોકો આવીને કોઈપણ દસ્તાવેજ વગર ગેરકાયદે રીતે કામ કરી રહ્યા છે. આનાથી માત્ર લોકોના જીવને જ નહીં, આપણી અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ રહ્યું છે.’ ગેરકાયદે કામ કરનારાઓના ડેટાની વાત કરીએ તો, યુકે હોમ ઓફિસના આંકડા મુજબ 5 જુલાઈ-2024થી 31 જાન્યુઆરી-2025 ગેરકાયદે કામ કરનારાઓ સામેની કાર્યવાહી ગત વર્ષની સરખામણીમાં લગભગ 38 ટકા વધી છે.
અમેરિકાની જેમ અન્ય દેશની પણ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદનો પદભાર સંભાળ્યા બાદ ગેરકાયદે રહેતા પ્રવાસીઓને દેશમાંથી હાંકી કાઢવાનું અભિયાન શરૂ કરી દીધું છે, જેની અસર ભારત સુધઈ પહોંચી છે. અમેરિકાએ ગત સપ્તાહે 104 ભારતીયોને અમૃતસર ડિપોર્ટ કર્યા હતા. આ ઉપરાંત ગેરકાયદે વસવાટ કરતાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો પણ આદેશ અપાયો છે. આ ઘટના ક્રમ વચ્ચે હવે વિશ્વના અનેક દેશોએ આવું પગલું ભરવાનું શરુ કરી દીધું છે. બ્રિટેને તાજેતરમાં જ ગેરકાયદે રહેતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે, જેના કારણે અનેક ભારતીયોની મુશ્કેલી વધી છે.