Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 11 April 2025

સુરત ઝેરી પાણી કાંડ: ૧૧૮ રત્ન કલાકારોને મારી નાંખવાના પ્રયાસમાં આરોપીની ધરપકડ, થયો મોટો ખુલાસો

સુરત ઝેરી પાણી કાંડ: ૧૧૮ રત્ન કલાકારોને મારી નાંખવાના પ્રયાસમાં આરોપીની ધરપકડ, થયો મોટો ખુલાસો
સુરતમાં ૧૧૮ રત્ન કલાકારો દ્વારા ઝેરી પાણી પીવાની ઘટનામાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી નિકુંજ નામના વ્યક્તિની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે, જે કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નિકુંજે પોતાના એક મિત્ર પાસેથી ₹૮,૦૦,૦૦૦ ગીરે લીધા હતા. આ લોનની રકમ ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નિકુંજે સવારે દુકાનમાંથી ઝેરી દવા લાવી હતી અને ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અંતિમ સમયે તેની હિંમત ન થતાં તે ત્યાં જ ઊભો રહી ગયો હતો. લોકોની અવરજવર જોઈને તે ભયભીત થઈ ગયો હતો અને કોઈને ખબર ન પડે તે માટે તેણે ઝેરનો પાઉચ ફિલ્ટરમાં નાખી દીધો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે નિકુંજ લેવીસ લાઈફ જીવી રહ્યો હતો, જેના કારણે તેણે ઉધારમાં આઠ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તે આ રકમ ચૂકવી શકે તેમ નહોતો. આરોપી નિકુંજના મામા પણ આ જ ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને તેઓ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. હાલ કાપોદ્રા પોલીસ નિકુંજે આપેલી માહિતી સાચી છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.

નોંધનીય છે કે, સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડ નામની હીરા કંપનીમાં રત્નકલાકારોની સામૂહિક હત્યાના ષડયંત્રના મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા હીરાના કારખાનાનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ રત્નકલાકારોની યાદી બનાવીને પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સેલ્ફોસ (એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ) નામની ઝેરી દવાનું પાઉચ ભેળવી દેવામાં આવ્યું હતું. આ ઝેરી પાણી પીધા બાદ કારખાનાના ૧૧૮ રત્નકલાકારોને સેલ્ફોસની અસર થઈ હતી. જેમાંથી ૧૦૪ રત્નકલાકારોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, જ્યારે હજુ પણ ૪ રત્નકલાકારો આઈસીયુમાં અને ૧૨ રત્નકલાકારો ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યા હતા. પોલીસે આ ઘટનાને રત્નકલાકારોની સામૂહિક હત્યાના પ્રયાસ તરીકે ગણીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.


હાલમાં ૧૧૮ અસરગ્રસ્તોમાંથી ૪ આઈસીયુ સહિત કુલ ૧૬ રત્નકલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. કિરણ હોસ્પિટલમાંથી દાખલ કરાયેલા ૧૦૪માંથી ૯૦ રત્નકલાકારોને રજા આપવામાં આવી હતી, જ્યારે ડાયમંડ હોસ્પિટલમાંથી દાખલ કરાયેલા ૧૪માંથી ૧૨ને રજા મળી ગઈ હતી. હાલમાં કિરણ હોસ્પિટલમાં ૨ અને ડાયમંડ હોસ્પિટલમાં ૨ રત્નકલાકારો આઈસીયુમાં હતા, જ્યારે અન્ય ૧૨ કારીગરોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા.

પોલીસે આ મામલે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે જ્યાં પીવાના પાણીનું ફિલ્ટર રાખવામાં આવ્યું હતું, તે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા નહોતા. પોલીસને એવી આશંકા હતી કે આ કૃત્ય કારખાનાથી પરિચિત કોઈ વ્યક્તિ એટલે કે કારખાનાના જ કોઈ કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે. આથી પોલીસે એફએસએલની ટીમની મદદ લઈને અસરગ્રસ્ત ૧૧૮ સહિત કારખાનામાં કામ કરતા તમામ રત્નકલાકારોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી.

ડીસીપી આલોક કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શંકાસ્પદ જણાતા ચારથી પાંચ જેટલા કારીગરોની કાપોદ્રા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ સાથે જ અલગ-અલગ ટીમો બનાવીને આ સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી હતી. પોલીસે અનભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરી રહી હતી. એટલું જ નહીં, અનભ જેમ્સની અંદર આવેલા ડીલરો અને સબ-ડીલરોની પણ તપાસ કરવામાં આવી રહી હતી, જેના માટે ત્રણ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની પૂછપરછમાં કોઈ નક્કર માહિતી સામે આવી નથી, પરંતુ પોલીસે અત્યાર સુધીમાં ૫૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા હતા અને તપાસ હજુ પણ ચાલુ હતી.