Sunday, 6 April 2025

‘હવે હિન્દુ, જૈન અને બૌદ્ધ મંદિરોની જમીનો પર ભાજપની નજર’ ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યા સવાલ

‘હવે હિન્દુ, જૈન અને બૌદ્ધ મંદિરોની જમીનો પર ભાજપની નજર’ ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યા સવાલ
મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહારો કરતા આક્ષેપ કર્યો છે કે, ‘વક્ફ બાદ હવે ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને હિન્દુ મંદિરોની જમીનો પર ભાજપની નજર છે. આ જમીનો તેમના મિત્રોને સોંપવામાં આવશે.’ આ સાથે ઉદ્ધવએ ભાજપને રામ જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે.

ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

ઉદ્ધવ ઠાકરેએ શિવસેના યુબીટીના આઈટી અને કોમ્યુનિકેશન વિંગ ‘શિવ સંચાર સેના’ના શુભારંભ કાર્યક્રમને સંબોધીત કરતા કહ્યું કે, ’વક્ફ કાયદો લાવ્યા બાદ હવે ભાજપની નજર ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને હિન્દુઓના મંદિરોની જમીનો પર છે, જેને તેઓ તેમના મિત્રને સોંપી દેશે. આ લોકોને કોઈપણ સમાજ સાથે પ્રેમ નથી. ભાજપે હવે રામ જેવો વ્યવહાર કરવો જોઈએ. તેઓએ દેશના ધાર્મિક માળખાને નુકસાન ન કરવું જોઈએ.’

શિવસેના યુબીટી વક્ફ મુદ્દે કોર્ટમાં નહીં જાય : ઉદ્ધવ

જ્યારે ઉદ્ધવને પૂછવામાં આવ્યું કે, શું વક્ફ કાયદા મુદ્દે શિવસેના યુબીટી પણ વિપક્ષની અન્ય પાર્ટીઓની જેમ કોર્ટમાં જશે. તો તેમણે તેનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વક્ફ સંશોધન બિલ 2025 હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે મંજૂરી આપી દીધી છે. સંસદ દ્વારા પસાર કરાયેલા વકફ સંશોધન અધિનિયમને 5 એપ્રિલ, 2025 ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી છે.