ઈરાન પર હુમલા કરવા માટે અતિ ઉતાવળા થયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. તેમણે ઈરાનમાં કંઈક મોટું થવાનો ઇશારો કર્યો હતો અને તહેરાન ખાલી કરાવવા પણ કહ્યું હતું. એટલું જ નહીં તેઓ વારંવાર ઈરાનને ધમકી પણ આપતા હતા. એવું લાગતું હતું કે, અમેરિકા ઈરાન પર ભયાનક હુમલા કરશે. તેણે ફાઇટર જેટ અને યુદ્ધ જહાજો પણ મધ્ય-પૂર્વમાં ખસેડ્યા હતા, જોકે હવે બાજી પલટી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે અને ટ્રમ્પ ઈરાન સાથે પંગો લઈ ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. આમ તો ટ્રમ્પ તાત્કાલીક હુમલો કરવાની ફિરાક મા હોવાનું દેખાઈ રહ્યું હતું, જોકે હવે તેમણે ઈરાનને બે અઠવાડિયાનો સમય આપ્યો છે. બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હજુ પણ મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ચાલી રહ્યા છે. ઇઝરાયલનો જન્મ થયા બાદ તેણે ક્યારેય આવા હુમલા જોયા નથી.
ઈરાનમાં કંઈક મોટું થવાનું’ કહેનારા ટ્રમ્પે પાછીપાની કરી?
વિશ્વભરને એવું લાગી રહ્યું હતું કે, ઇઝરાયલ-ઈરાનના યુદ્ધમાં અમેરિકા સામેલ થશે અને ઈરાનમાં ભયાનક ખુવારી સર્જાશે. જોકે હવે ટ્રમ્પે પાછીપાની કરતાં અને ઈરાનને બે અઠવાડિયાનો સમય આપતાં એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે, શું અમેરિકા મધ્ય-પૂર્વમાં નબળું પડી રહ્યું છે. ટ્રમ્પની નિવેદનબાજી હંમેશા વિરોધાભાસ રહી છે. અગાઉ ટ્રમ્પ ઈરાન સાથે રાજદ્વારી સમાધાન કરવાની તરફેણમાં હતા, જોકે હવે તેમણે પરિસ્થિતિ બદલી નાખી છે.
ટ્રમ્પની નીતિથી સમર્થકો નારાજ
ઇઝરાયલને સમર્થન આપવા મામલે ટ્રમ્પના ‘મેક અમેરિકા ગ્રેટ અમેરિકા’ અભિયાનમાં જોડાયેલા લોકો વિભાજીત છે. અલ જજીરાએ 14 જૂને લખ્યું છે કે, ‘ટ્રમ્પના સમર્થકો માર્જોરી ટ્રેલર ગ્રીન અને ચાર્જી કર્ક યુદ્ધની વિરુદ્ધમાં છે. ટ્રમ્પનો કોઈપણ સમર્થક ઇચ્છતો નથી કે, અમેરિકા યુદ્ધમાં ફસાય, કારણ કે આ નીતિ ‘અમેરિકા ફર્સ્ટ’ સિદ્ધાંતોથી વિરુદ્ધ છે, તેથી આ બાબત ટ્રમ્પ પર આંતરિક દબાણ થયું હોવાનું દર્શાવી રહી છે. તેમણે ઈરાન પર હુમલો કરવાની યોજનામાં પાછીપાની કર્યા બાદ એવું લાગી રહ્યું છે કે, તેઓ પોતાના સમર્થકોને નારાજ કરવા માંગતા નથી. બીજી તરફ કોંગ્રેસ અને વૈશ્વિક સમુદાયના દબાણને કારણે પણ ટ્રમ્પ મૂંઝવણમાં મૂકાયા હોઈ શકે છે.