ગાંધીનગર: ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)માં દહેજ અને સાયખા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં માળખાગત વિકાસના નામે કરોડો રૂપિયાની ગડબડીઓ ઉજાગર થઈ છે. પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ) – ગુજરાતના જૂન 2025ના ત્રણ પ્રારંભિક અવલોકન મેમોમાં ભરૂચથી જારી કરાયેલા રિપોર્ટમાં 60 કરોડથી વધુની નાણાકીય અનિયમિતતાઓનો પર્દાફાશ થયો છે. ઓડિટ રિપોર્ટ અનુસાર, “મેસર્સ નેક્સ્ટેંગ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ” નામની ખાનગી કંપની આ ગોટાળાનું કેન્દ્ર છે. આ કંપનીને ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ અને ખોટી બિડ વિગતો હોવા છતાં અનેક પ્રોજેક્ટો ફાળવવામાં આવ્યા. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હતો અને નિયમોનું ઉલ્લંઘન કરીને મળતિયાઓને આર્થિક લાભ પહોંચાડવામાં આવ્યો. દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારોમાં પ્લોટની ફાળવણીમાં પણ અનિયમિતતાઓ સામે આવી. 2023માં આ વિસ્તારોને “સેચ્યુરેટેડ” જાહેર કરી ઓક્શન દ્વારા પ્લોટ ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, 2024માં આ નિર્ણયને ઉલટાવીને “અનસેચ્યુરેટેડ” જાહેર કરી, ઓછા દરે પ્લોટ ફાળવવામાં આવ્યા, જેનાથી રાજ્યના ખજાનાને કરોડો રૂપિયાનું નુકસાન થયું. આ ઉપરાંત, માળખાગત વિકાસના નામે ખોટા ખર્ચ દર્શાવી અને ટેન્ડરની શરતોમાં ફેરફાર કરીને ચોક્કસ કંપનીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો. આ ગોટાળો GIDCની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીની ગંભીર ખામીઓ દર્શાવે છે. સરકારે હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી, પરંતુ આ ખુલાસાઓએ રાજ્યમાં રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. વિપક્ષે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સખત તપાસની માંગ કરી છે.
GIDCમાં કરોડોના ગોટાળાનો પર્દાફાશ: ટેન્ડરમાં હેરફેર કરી મળતિયાઓને માલદાર બનાવ્યા, જાણો સમગ્ર કૌભાંડ