Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Wednesday, 25 February 2026

બરોડા ડેરી ચૂંટણીમાં 'ઈલુ ઈલુ'નો રમાતો ખેલ? ભાજપ-કોંગ્રેસ વચ્ચે મીઠી સમજૂતી, છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ!,??

બરોડા ડેરી ચૂંટણીમાં 'ઈલુ ઈલુ'નો રમાતો ખેલ? ભાજપ-કોંગ્રેસ વચ્ચે મીઠી સમજૂતી, છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ!,?? 
-Friday World – 25 February 2026  
સહકારી ક્ષેત્રમાં રાજકારણ અને વ્યક્તિગત સંબંધો કેટલા ઊંડા હોઈ શકે છે તેનો તાજો ઉદાહરણ બરોડા ડેરીની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની સંયુક્ત ડેરીમાં છોટાઉદેપુર જિલ્લાની 5 બેઠકોમાંથી 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોને બિનહરીફ ચૂંટવાની ગોઠવણી થઈ રહી છે. આ બધા પાછળ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની 'મૌન સંમતિ' અને 'મીઠી સમજૂતી'ની ચર્ચાઓ ગરમાઈ રહી છે.

 છોટાઉદેપુર જિલ્લો – દૂધનો મુખ્ય સ્ત્રોત, પણ રાજકીય રમત અલગ બરોડા ડેરીને સૌથી વધુ દૂધ પુરવઠો આપતો જિલ્લો હોવા છતાં અહીંના રાજકીય સમીકરણો અનોખા છે. જ્યાં ખરેખર સખત મુકાબલો થવો જોઈએ ત્યાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અદૃશ્ય સમજૂતીની ગંધ આવી રહી છે. આજે આપણે એક-એક બેઠકની વાસ્તવિકતા જોઈએ. 

નસવાડી બેઠક – પરંપરાગત 'નો-કોન્ટેસ્ટ' ઝોન અહીં બરોડા ડેરીના હાલના ઉપપ્રમુખ જી.બી. સોલંકી ભાજપ તરફથી મેદાનમાં છે. છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો ટાળવાની પરંપરા ચાલી આવે છે. કોંગ્રેસ અહીં ઉમેદવાર ઊભો રાખવાનું ટાળી રહી છે, જેથી જી.બી. સોલંકી સરળતાથી બિનહરીફ થવાની શક્યતા છે. 

પાવીજેતપુર બેઠક – વેવાઈના સંબંધોની રાજકીય કિંમત આ બેઠક પર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના મોટા ભાઈ રણજીતસિંહ રાઠવા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. રણજીતસિંહના કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા સાથે વેવાઈના સંબંધો છે. આ જ કારણે કોંગ્રેસ અહીં કોઈ ઉમેદવાર ઊભો રાખવા તૈયાર નથી. પરિણામે આ બેઠક પણ બિનહરીફ થવાની મજબૂત શક્યતા છે. 

છોટાઉદેપુર બેઠક – પિતા-પુત્રની રાજકીય વારસો  માજી સાંસદ નારણભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભાજપ તરફથી ચૂંટણીમાં છે. સંગ્રામસિંહના કોંગ્રેસના અનેક નેતાઓ સાથે ઘનિષ્ઠ વ્યક્તિગત સંબંધો છે. આ સંબંધોને કારણે કોંગ્રેસ અહીં પણ વિરોધ નોંધાવવાનું ટાળી રહી છે. નરમ વલણને કારણે આ બેઠક પણ ભાજપના ખાતામાં જતી જણાય છે. 

સંખેડા બેઠક – જૂના સંબંધોની અસર અહીં ક્રિપાલસિંહ ભાજપ તરફથી ચૂંટણી લડે છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં હતા અને હજુ પણ જૂના સાથીઓ સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે. આ કારણે કોંગ્રેસ તેમને નડવા માગતી નથી. પરિણામે આ બેઠક પણ બિનહરીફ થવાની શક્યતા વધુ છે.

 કોંગ્રેસનું 'છોડો ને મગજમારી' વલણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોઈ ગંભીર તૈયારી જોવા મળી નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંતભાઈએ જણાવ્યું કે, "નસવાડી અને છોટાઉદેપુર બેઠક માટે હજુ ઉમેદવાર મળ્યા નથી." બીજી તરફ માજી વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હું બરોડા ડેરીની ચૂંટણીમાં કોઈ મગજમારી કરતો નથી." આવા વલણથી કાર્યકરોમાં ભારે હતાશા છે. 

શું આ જ કોંગ્રેસની વારંવારની હારનું મૂળ કારણ છે? જાહેરમાં ભાજપને કોસનારા કોંગ્રેસના નેતાઓ સહકારી ચૂંટણીઓમાં 'ઈલુ ઈલુ' કરી લે છે. વ્યક્તિગત સંબંધો, વેવાઈ-સાસરિયા, જૂના મિત્રોના બંધનને કારણે જમીની સ્તરના કાર્યકરોને નેતૃત્વનો અભાવ થાય છે. આ જ કારણે કોંગ્રેસ વારંવાર હારનો સામનો કરવો પડે છે અને કાર્યકરોમાં નિરાશા ફેલાય છે.

 સહકારી ચૂંટણીઓમાં રાજકારણનું અસલી ચિત્ર બરોડા ડેરીની આ ચૂંટણી દર્શાવે છે કે સહકારી સંસ્થાઓમાં દૂધ, ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર કરતાં વ્યક્તિગત સંબંધો અને રાજકીય સમજૂતીઓ વધુ મહત્વની બની જાય છે. જ્યારે દરેક પક્ષ પોતાના હિતોને પ્રાધાન્ય આપે છે ત્યારે સામાન્ય ખેડૂત અને દૂધ ઉત્પાદકોના હિતો પાછળ રહી જાય છે.

 આ ચૂંટણી એક ચેતવણી છે કે સહકારી ક્ષેત્રને રાજકારણથી મુક્ત રાખવા અને વાસ્તવિક પ્રતિસ્પર્ધા થાય તે જરૂરી છે. નહીં તો 'ઈલુ ઈલુ'ના ખેલમાં ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના હિતોનું નુકસાન થતું રહેશે. 

જય સત્તા, જય સેટિંગ🐄🇮🇳 

Sajjadali Nayani ✍ 
Friday World – 25 February 2026