Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Friday, 20 February 2026

ભાજપના જ સભ્યના મોઢેથી ખુલાસો: "આ માણસે કોઈને છોડ્યા નથી... મારા પરિવારને પણ નહીં!"

ભાજપના જ સભ્યના મોઢેથી ખુલાસો: "આ માણસે કોઈને છોડ્યા નથી... મારા પરિવારને પણ નહીં!"
-Friday World 20th Feb 2026
સુરતના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો ભારે ભરડો ફાટી નીકળ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની રેડ બાદ હવે ભાજપના જ એક પ્રભાવશાળી સભ્યે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મૂકી છે કે, જેનાથી આખા શહેરનું રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. આ પોસ્ટમાં તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેરે કોઈને પણ બક્ષ્યું નથી – પોતાના પરિવાર સુધ્ધાંને નહીં!

 મામલો શરૂ થયો ACBની કાર્યવાહીથી સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા અને તેમના એજન્ટ મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણ સામે લાંચ લેવાની ફરિયાદ નોંધાઈ છે. ACBએ આ મામલે રેડ કરીને તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી બાદ જ શિક્ષણ સમિતિના ભાજપના સભ્ય અને પૂર્વ કોર્પોરેટર સંજય પાટીલે સોશિયલ મીડિયા પર એક ધમાકેદાર પોસ્ટ મૂકી, જેમાં તેમણે ઈજનેર પર ગંભીર આરોપો લગાવ્યા છે. સંજય પાટીલની પોસ્ટમાંથી શું ખુલ્યું? 

પોસ્ટમાં સંજય પાટીલે લખ્યું છે: 

"આ વ્યક્તિએ કોઈને ના છોડ્યા, એના ભોગ બનેલા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ઘણા પૂર્વ નગરસેવક અને શિક્ષણ સમિતિના સભ્ય નાતે મારી પાસે આવતા ત્યારે મારે ભારે હૈયે કહેવું પડતુ કે એણે મારા પરિવારને પણ નથી છોડ્યો. કરેલા કર્મોનુ ફળ અહીં જ ભોગવવુ પડે તે ગુજરાતી કહેવત સાચી પડી. એનો ભોગ હું પણ બનેલો છું, મારું ડિમોલેશન કર્યું, મે મિલકત વેચી નાખી અને આજે ત્યાં 4 માળની બિલ્ડિંગ મેળાપીપણાથી ધમધમી રહી છે, હવે કાયદેસર થઈ??? મારી G+1 હતી ગેરકાયદેસર અને હવે G+3 કાયદેસર???" 

આ પોસ્ટમાં તેમણે કાર્યપાલક ઈજનેર અને અન્ય સંબંધિત વ્યક્તિઓના ફોટા પણ શેર કર્યા છે. પોસ્ટમાંથી સ્પષ્ટ થાય છે કે, ઝોનમાં લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચારની અંદરની વાતો હવે ખુલી રહી છે – અને તે પણ ભાજપના જ નેતા દ્વારા!

 ભાજપના સભ્ય પોતે ભોગ બન્યા – સામાન્ય પ્રજાનું શું? સંજય પાટીલ પોતે ભાજપના શાસક પક્ષના શિક્ષણ સમિતિના સભ્ય છે. જો તેઓ જ આ ઈજનેરના કારણે પોતાની મિલકત ગુમાવી બેઠા અને પરિવાર સુધ્ધાં પરેશાન થયા, તો સામાન્ય નાગરિકોનું શું હાલ હશે? પોસ્ટમાંથી એવું લાગે છે કે, બિલ્ડિંગ ડિમોલિશન, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બનાવવા માટે લાંચની મોટી રમત ચાલતી હતી. જે લોકો લાંચ આપી શકતા ન હતા, તેમની મિલકતો પર કાર્યવાહી થતી હતી, અને જે લોકો લાંચ આપતા તેમના ગેરકાયદેસર બાંધકામોને 'કાયદેસર'નું સર્ટિફિકેટ મળી જતું. 

લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો આટલો મોટો ભરડો કેમ? લિંબાયત ઝોન સુરતના ઝડપથી વિકસતા વિસ્તારોમાંનો એક છે. અહીં બાંધકામ, પ્લોટ, બિલ્ડિંગ પ્લાન પાસ કરાવવા માટેની પ્રક્રિયામાં લાંચની મોટી રકમોની આપ-લે થતી હોવાના આક્ષેપો ઘણા સમયથી ચાલતા આવે છે. હવે ભાજપના જ એક સભ્યે આ વાતને આગળ વધારીને પોતાના અનુભવની વાત કરી છે, ત્યારે સવાલ ઉભા થાય છે કે – આ ભ્રષ્ટાચારની સગડ કેટલી ઊંડી છે? કેટલા લોકો આના ભોગ બન્યા છે? અને સૌથી મોટો સવાલ – આ કાર્યવાહી પછી શું થશે? 

આ પોસ્ટે સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ભાજપના આંતરિક વિવાદો ખુલ્લા પડી રહ્યા છે, અને સામાન્ય નાગરિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, જો પાર્ટીના જ લોકો આટલા પરેશાન છે તો સામાન્ય માણસની સ્થિતિ કેવી હશે? ACBની તપાસ આગળ વધશે કે નહીં, અને આ મામલો ક્યાં સુધી પહોંચશે – તે જોવાનું રહેશે. 

Sajjadali Nayani ✍
 Friday World 20th Feb 2026