Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 14 July 2026

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને જિલ્લાના મહેસુલી અધિકારીઓ/ કર્મચારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે કાર્ય કરવા આદેશ

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને જિલ્લાના મહેસુલી અધિકારીઓ/ કર્મચારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે કાર્ય કરવા આદેશ
- Friday World Jul 14 2026
માહિતી બ્યુરો, ભાવનગર

ભાવનગર શહેરમાં આગામી તા.૧૬/૦૭/૨૦૨૬ના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર હોઈ, રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રીતે જળવાઈ રહે તે હેતુસર ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીઓની ફરજ અંગે હુકમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

જાહેર કરાયેલા હુકમ મુજબ, રાજ્ય સરકારના ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૫ હેઠળ નિયુક્ત કરવામાં આવેલા ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીઓને તા.૧૫/૦૭/૨૦૨૬થી તા.૧૭/૦૭/૨૦૨૬ સુધીના સમયગાળા માટે કલમ-૧૬૩ના અધિકારો આપવામાં આવ્યા છે. 

અનુસૂચિ-૧ મુજબ નિયુક્ત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીઓએ તેમને ફાળવવામાં આવેલા સ્થળે ફરજ બજાવવાની રહેશે. જ્યારે અનુસૂચિ-૨ મુજબના રિઝર્વ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીઓએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગરની સૂચના મુજબ હાજર રહી ફરજ બજાવવાની રહેશે.તેમજ અનુસુચિ-૨ માં દર્શાવેલ કંટ્રોલ રૂમ ડ્યૂટી પર નિયુક્ત કર્મચારીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવવાની રહેશે.

રથયાત્રાનું આગમન થતાંથી રથયાત્રા પસાર થઈ જાય ત્યાં સુધી સંબંધિત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીઓએ પોતાના નિયત સ્થળે હાજર રહી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સતત નજર રાખવાની રહેશે. કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની તાત્કાલિક જાણ ફોન નં.૨૫૨૧૫૫૪, ૨૫૨૧૫૫૫ ઉપર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવાની રહેશે.

હુકમમાં વધુમાં જણાવ્યા મુજબ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીઓને તેમના હોદ્દાને અનુરૂપ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ફરજ પરના પોલીસ અધિકારીશ્રીઓની રહેશે. પોલીસ અધિક્ષકશ્રીએ આ અંગે સંબંધિતોને ખાસ સુચના આપવી.

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત થયેલ અધિકારી/ કર્મચારીશ્રીએ આ અંગેની ઓળખપટ્ટી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગરની કચેરીમાંથી મેળવી ફરજ પૂર્ણ થયા બાદ પરત જમા કરાવવાની રહેશે.

સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગરએ સમગ્ર રથયાત્રા દરમ્યાન આ હુકમથી સોંપાયેલ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીઓને હુકમની બજવણી કરી નિયત સમય અને સ્થળે હાજર રહે તેની દેખરેખ અને તકેદારી રાખવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં જો ફરજ સોંપાયેલ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને જો ફરજમાંથી મુક્તિ આપવાની થાય તો અનુસુચિ-૨ માંના રીઝર્વ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટમાંથી નિમણુંક કરવાની રહેશે. તમામ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીઓ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગરના નિયંત્રણ હેઠળ ફરજ બજાવશે. રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે કાર્યરત કરેલ કંટ્રોલ રૂમ ખાતેની કાર્યવાહીની સમગ્ર વ્યવસ્થા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગરે સંભાળવાની રહેશે અને સમયાંતરે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને રિપોર્ટીંગ કરવાનું રહેશે.

Sajjadali Nayani ✍
 Friday World Jul 14 2026