-Friday World Nov 2,2026
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જામલા ગામમાં બનેલો ગૌહત્યાનો ચકચારી કેસ હવે ન્યાયના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટે આ કેસમાં ઐતિહાસિક અને કડક ચુકાદો આપતા ત્રણ આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદાએ સમગ્ર ગુજરાતમાં ગૌ-રક્ષા કાયદાની કડકાઈનો મજબૂત સંદેશ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 22 ઓગસ્ટ 2024 ના રોજ કલોલ પોલીસને બાતમી મળી હતી કે જામલા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરવામાં આવી રહી છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પરથી 277 કિલો જેટલું ગૌમાંસ જપ્ત કર્યું હતું. સ્થળ પર કતલના સાધનો પણ મળી આવ્યા હતા. આ અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય બદલ પોલીસે કુલ 6 લોકોની ધરપકડ કરી હતી અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અને ગુજરાત ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ કેસની સુનાવણી ગાંધીનગર કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલે દલીલો દરમિયાન ગૌહત્યા કેટલો ગંભીર ગુનો છે અને સમાજ પર તેની શું અસર પડે છે તે અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. ફોરેન્સિક રિપોર્ટ અને પોલીસના પુરાવાઓને આધારે કોર્ટે વસીમ કુરેશી, મહમદ રફીક કુરેશી અને અશફાક બહેલીમ એમ ત્રણ મુખ્ય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.
#ન્યાયાધીશે પોતાના ચુકાદામાં ત્રણેય દોષિતોને આજીવન સખત કેદ અને દરેકને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
આ ચુકાદાની સૌથી મહત્વની વાત એ છે કે ચુકાદા દરમિયાન માનનીય અદાલતે ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ચુકાદામાં વેદો, #મનુસ્મૃતિ અને અન્ય ધર્મગ્રંથોમાં ગાયને માતા સમાન ગણવામાં આવી છે અને તેનું રક્ષણ કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ગાય માત્ર પશુ નથી, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા, ખેતી અને સંસ્કૃતિનો આધાર છે.
#ગુજરાતમાં ગૌહત્યા સામે કાયદો ખૂબ જ કડક છે. ગુજરાત સરકારે 2017 માં કાયદામાં સુધારો કરીને ગૌહત્યા માટે આજીવન કેદ સુધીની જોગવાઈ કરી છે. આ કેસમાં તે જ કડક કાયદા હેઠળ સજા આપવામાં આવી છે. આ ચુકાદાથી ગૌહત્યા કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને ગૌપ્રેમીઓમાં ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. પોલીસની સતર્કતા અને કોર્ટના કડક વલણને કારણે ન્યાય મળ્યો છે.
Sajjadali Nayani ✍️
Friday World Nov 2,2026
#KalolCowSlaughterCase #GandhinagarCourtVerdict #GauRaksha #GujaratNews #CowProtectionLaw #JusticeForGauMata #KalolNews #GujaratAnimalPreservationAct #LifeImprisonment #GauHatyaCase