ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા ભાજપનો એક એક કાર્યકર જહેમત ઉઠાવી રહ્યો છે. જેમાં ભાજપ દ્વારા એક પછી એક નિર્ણય અને નિમણૂક દ્વારા જવાબદારી સોંપવામાં આવી રહી છે. આ દૌર આજે પણ યથાવત રહ્યો છે અને આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા દ્વારા વિધાનસભા ચૂંટણી-2022 માટે યુવા મોરચા વિધાનસભાના સંયોજકઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણી મામલે ભાજપે તડામાર તૈયારીઑ આરંભી દોધી છે. જેના ભાગરૂપે ભાજપ દ્વારા તળિયેથી માંડી ઉચ્ચ કક્ષાએ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેવામાં ભાજપ યુવા મોરચાના વિધાનસભા સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે. યુથ ભાજપના અગ્રણીઓ સાથે ચર્ચા બાદ સી. આર. પાટીલે નિમણૂકો કરી છે. જેમાં વિધાનસભા બેઠક દીઠ યુથ ભાજપના સંયોજકોની યાદી જાહેર કરવામાં આવી છે. યુવા સંયોજકો વિધાનસભા પ્રભારીઓ સાથે સંકલન કરશે.
મહત્વનું છે કે, વિધાનસભા સીટ દીઠ યુવા મતદારો સાથે યુવા સંયોજકો સીધો સંપર્ક કરશે અને ભાજપની વિચારધારાનો ફેલાવો કરશે. જે યુવાઓને ભાજપ તરફી કરવા પ્રચાર અભિયાનને વેગ અને મહત્વનું યોગદાન આપશે. વધુમાં વિસ્તારકો સાથે પણ સંકલન કરી પક્ષને મજબૂત કરવાની પણ જવાબદારી તેઓના શિરે સોંપવામાં આવી છે. આ નિમણૂકને લઈને ચાલુ માસના અંતમાં યુવા સંયોજકોની બેઠક પણ યોજાઇ શકે છે.