કેનેડામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કેનેડાની સરકારે ભારતીય નાગરિકો માટે વિઝિટર વિઝાની અવધિ એક મહિના સુધી મર્યાદિત કરી દીધી છે. જેના કારણે 4.5 લાખ પંજાબીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે તેમને દર વર્ષે ટુરિસ્ટ વિઝા લેવા પડશે. તેમજ એક મહિનામાં કેનેડા છોડવું પડશે. વિઝા સિસ્ટમમાં કડક જોગવાઈઓ લાગુ કરવાના ઉદ્દેશ્યથી કેનેડા સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
કેનેડિયનો માટે ઘર ખરીદવું અશક્ય બની ગયું
આ સાથે ભારતીય નાગરિકો માટે લાંબા ગાળાના વિઝાની સુવિધા સમાપ્ત થઈ જશે. તેની સૌથી વધુ અસર ભારતીય લોકો પર પડશે, જેઓ કેનેડા આવતા-જતા રહે છે. કેનેડાના વાનકુવરમાં રહેતા જાણીતા લેખક અને પંજાબી વિચારક સુખવિન્દર સિંહ ચોહલા કહે છે કે બે વર્ષ પહેલાં જ્યારથી વ્યાજ દરો વધવા લાગ્યા ત્યારથી ઘણા કેનેડિયનો માટે ઘર ખરીદવું અશક્ય બની ગયું છે. વધી રહેલા ઇમિગ્રેશનને કારણે કેનેડાની વસ્તી પણ રેકોર્ડ સ્તરે પહોંચી છે.
વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે
કેનેડિયન વિઝા નિષ્ણાતોનું કહેવું છે કે દસ વર્ષના પ્રવાસી વિઝાની સમાપ્તિની સૌથી વધુ અસર ભારતીય પર પડશે. કેનેડામાં 2021માં ભારતીયોને 2 લાખ 36 હજાર ટૂરિસ્ટ વિઝા આપવામાં આવ્યા હતા, પરંતુ 2022માં તેમાં 393 ટકાનો વધારો થયો હતો અને આ સંખ્યા 11 લાખ 67 હજાર પર પહોંચી હતી અને 2023માં આ સંખ્યા 12 લાખને પાર કરી હતી, જેમાંથી મૂળ ભારતીય 60 ટકાથી વધુ છે.