કેનેડાના 2025-2027 માટે ઇમિગ્રેશન લેવલ પ્લાનમાં પહેલી વાર અસ્થાયી નિવાસીઓ માટે વિઝાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે. પરંતુ સાથે જ મોટી સંખ્યામાં લોકોને પરમેનન્ટ રેસિડન્સી (PR) આપવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ભારતીયોને પણ આનો ફાયદો થવાનો છે.
ઘણા ભારતીય યુવાનોને વિદેશ ભણવા જવાની ઇચ્છાઓ હોય છે. એમાં પણ વિદેશ ભણવા જવાની ઇચ્છા ધરાવતા યુવાનો ખાસ કરીને કેનેડાને પ્રાયોરિટી આપે છે. હાલ પણ લાખો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. જો તમે પણ એવા જ યુવાનોમાંથી એક હોવ કે જેને કેનેડા અભ્યાસ કરવા જવાની ઇચ્છા હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કેનેડાએ એક નવો ઇમિગ્રેશન પ્લાન જાહેર કર્યો છે, જેમાં પરમેનન્ટ રેસીડેન્સી એટલે કે PRથી લઈને વિદ્યાર્થીઓ અને કામદારોને આપવામાં આવતા વિઝાની સંખ્યાને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં જે પણ વિદ્યાર્થી કેનેડામાં એડમિશન લેવા માગે છે, તેમણે પહેલા નવો ઇમિગ્રેશન પ્લાન સારી રીતે સમજી લેવો જોઈએ, જેનાથી તેમના માટે એ દેશમાં જવું સરળ રહેશે.
કેનેડાના 2025-2027 માટે ઇમિગ્રેશન લેવલ પ્લાનમાં પહેલી વાર અસ્થાયી નિવાસીઓ માટે વિઝાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે. અસ્થાયી નિવાસીઓમાં વિદેશી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. દર વર્ષે ઇમિગ્રેશન પ્લાન જાહેર કરવામાં આવે છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા બહાર પાડવામાં આવેલ પ્લાન વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે, કારણ કે આમાં તેમના માટે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કેનેડા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે ઈમિગ્રેશન પ્લાનના 5 મુખ્ય મુદ્દા શું છે.
વિદેશી કામદારો કરતાં વધુ વિદ્યાર્થીઓને વિઝા આપશે
કેનેડા 2025, 2026 અને 2027માં દર વર્ષે 3,05,900 વિદેશી વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ આપવામાં આવશે. તેનાથી વિપરીત, અસ્થાયી વિદેશી કામદારોને આપવામાં આવતા વિઝામાં દર વર્ષે ઘટાડો કરવામાં આવશે. 2025માં 3,67,750 વિઝા, 2026માં 2,10,700 વિઝા અને 2027માં 2,37,700 વિઝા આપવામાં આવશે. આનો અર્થ થયો કે 2026 અને 2027માં દેશમાં આવનારા અસ્થાયી નિવાસીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હશે.
2025-2027 માટે બનાવેલી યોજનામાં દેશમાં હાજર લોકોને પરમેનન્ટ રેસીડેન્સી એટલે કે PR આપવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, પછી તે કામદારો હોય કે વિદ્યાર્થીઓ. આ તમામ લોકોને ઇન-કેનેડા ફોકસ કેટેગરીમાં પરમેનન્ટ રેસિડન્સી એટલે કે પીઆર આપવામાં આવશે. 2025 માટે, IRCC એ અનુમાન લગાવ્યું છે કે તે 40 ટકા એવા લોકોને પરમેનન્ટ રેસીડેન્સી આપવા જઈ રહ્યું છે જેઓ પહેલાથી જ દેશમાં વિદેશી કામદારો અથવા વિદ્યાર્થીઓ તરીકે રહે છે.
પ્રાંતીય નોમિની પ્રોગ્રામ (PNPs) માં કાપ
ઈમિગ્રેશન પ્લાન હેઠળ, PNP દ્વારા દેશમાં થતી એન્ટ્રી ઘટાડવામાં આવશે. 2025 માં, સરકાર PNP હેઠળ દેશમાં ફક્ત 55,000 લોકોને રહેવાની મંજૂરી આપવાની છે. 2024 માં, 1,10,000 લોકોને એન્ટ્રી મળી હતી, જ્યારે 2025 માં, 1,20,000 લોકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી. જે વિદ્યાર્થીઓ PNP દ્વારા દેશમાં પરમેનન્ટ રેસિડન્સી મેળવવા માંગતા હોય, તેમણે હવે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.