નાગા વિદ્રોહી સંગઠન એનએસસીએન (આઈએમ) એ ધમકી આપી છે કે જો અલગ રાષ્ટ્રધ્વજ અને બંધારણની માગ પૂરી નહીં કરો તો તે સરકારની સાથે પોતાના 27 વર્ષ જૂના યુદ્ધ વિરામ કરારનો ભંગ કરશે અને પોતાની સશસ્ત્ર હિંસા પર પાછા ફરી જશે. જોકે, 1947માં ભારતની આઝાદીના તાત્કાલિક બાદ નાગાલેન્ડમાં હિંસક વિદ્રોહ કરનાર આ જૂથે સરકારના વાર્તાકારો સાથે લાંબી શાંતિવાર્તા શરૂ કર્યાં પહેલા 1997માં યુદ્ધ વિરામ કરાર કર્યા હતા.
3 ઓગસ્ટ, 2015એ એનએસસીએન (આઈએમ) એ સ્થાયી સમાધાન શોધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સરકારની સાથે એક રૂપરેખા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. શુક્રવારે જાહેર એક નિવેદનમાં જૂથના મહાસચિવ અને મુખ્ય રાજકીય વાર્તાકાર થુઈંગાલેંગ મુઈવાએ કહ્યું કે 'હું અને પૂર્વ અધ્યક્ષ સ્વર્ગીય ઈસાક ચિશી સ્વૂ શાંતિપૂર્ણ વાતચીત દ્વારા સંઘર્ષના સમાધાન માટે ચર્ચા માટે ગયા અને સશસ્ત્ર આંદોલનને છોડીને શાંતિપૂર્ણ રાજકીય વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલવા માટે પૂર્વ વડાપ્રધાનો પી.વી.નરસિમ્હા રાવ, એચ.ડી.દેવગૌડા, અટલ બિહારી વાજપેયી અને અન્યની પ્રતિબદ્ધતાનું પણ સન્માન કર્યું. જે અનુસાર રાજકીય ચર્ચા 1 ઓગસ્ટ, 1997એ શરૂ થઈ અને ત્યારથી ભારત અને વિદેશ બંનેમાં કોઈ પૂર્વ શરત વિના 600 થી વધુ વખત ચર્ચા થઈ, જેના પરિણામ સ્વરૂપ 3 ઓગસ્ટ, 2015એ રૂપરેખા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.'
મુઈવાએ આરોપ લગાવ્યો કે અધિકારીઓ અને સરકારમાં નેતૃત્વએ નાગા 'સંપ્રભુતા રાષ્ટ્રધ્વજ અને સંપ્રભુ રાષ્ટ્રીય બંધારણ' ને માન્યતા આપવા અને સ્વીકાર કરવાથી ઈનકાર કરીને રૂપરેખા કરારના અક્ષર અને ભાવનાની સાથે 'જાણીજોઈને વિશ્વાસઘાત' કર્યો છે. સરકાર અને એનએસસીએનની વચ્ચે રાજકીય સંમતિ માટે માનદંડ રૂપરેખા કરારની મૂળ ભાવના અનુસાર થવું જોઈએ, જેમાં અન્ય વાતો સિવાય, નાગા 'સંપ્રભુ રાષ્ટ્રધ્વજ અને નાગા સંપ્રભુ રાષ્ટ્રીય બંધારણ' રાજકીય કરારનું અભિન્ન અંગ હોવું જોઈએ.
મુઈવાએ કહ્યું કે આજ કે કાલ, નાગાનો અદ્વિતીય ઈતિહાસ, સંપ્રભુતા અને સ્વતંત્રતા, સંપ્રભુ વિસ્તાર, સંપ્રભુ રાષ્ટ્રધ્વજ અને સંપ્રભુ રાષ્ટ્રીય બંધારણ પર કોઈ કરાર કરવામાં આવી શકે નહીં. તેમ છતાં, ભલે નાગા અને એનએસસીએન વિરુદ્ધ સ્થિતિ હોય, અમે નાગા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર જે પણ જરૂરી પગલાં ઉઠાવવા પડશે, ઉઠાવીશું અને નાગા લોકો સશસ્ત્ર હિંસા સહિત કોઈ પણ પ્રકારે નાગાના અદ્વિતીય ઈતિહાસ, સંપ્રભુતા અને સ્વતંત્રતા, સંપ્રભુ વિસ્તાર, સંપ્રભુ રાષ્ટ્રીય ધ્વજ અને સંપ્રભુ રાષ્ટ્રીય બંધારણની રક્ષા અને બચાવ કરશે.'
અધિકારીઓએ નવી દિલ્હીમાં કહ્યું કે એનએસસીએન-આઈએમની સાથે શાંતિ વાર્તા હાલ આગળ વધી રહી નથી, કેમ કે જૂથ અલગ નાગા ધ્વજ અને બંધારણની માગ કરી રહ્યું છે, જેને કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે. આ સિવાય સરકાર યુદ્ધ વિરામ કરાર બાદ એનએસસીએનના અલગ થયેલા જૂથની સાથે પણ શાંતિ વાર્તા કરી રહ્યું છે. જે જૂથોએ યુદ્ધ વિરામ કરાર કર્યા છે. તે છે એનએસસીએન-એનકે, એનએસસીએન-આર, એનએસસીએન કે-ખાંગો અને એનએસસીએન-કે-નિકી.