Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 18 November 2024

સલામત ગુજરાત'માં દર ચાર દિવસે એક દલિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બને છે

સલામત ગુજરાત'માં દર ચાર દિવસે એક દલિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બને છે
ગુજરાતમાં પાછલાં દસ વર્ષોમાં SC-ST મહિલાઓ સાથે વધી રહ્યા છે રેપના બનાવ
ગુજરાતમાં પાછલાં દસ વર્ષમાં નોંધાયેલા ગુનાની વિગતો પ્રમાણે દર ચાર દિવસે એક અનુસૂચિત જાતિ અને દર દસ દિવસે એક આદિવાસી મહિલા સાથે દુષ્કર્મની ઘટના બને છે.

બીબીસી ગુજરાતીએ ગુજરાત પોલીસ મહાનિદેશકની કચેરીમાં કરેલી માહિતી અધિકાર અંતર્ગતની અરજીના જવાબમાં આ માહિતી પ્રાપ્ત થઈ હતી. આ આંકડા સરકારની 'સલામત ગુજરાત'ની જાહેરાતોથી વિપરીત હકીકત બયાન કરે છે.

'ગાંધીના ગુજરાત'માં આટલા ચિંતાજનક આંકાડાઓ જોયા બાદ પણ 'રાજ્યમાં સબસલામત'ના નેતાઓના દાવાને નિષ્ણાતો અને કર્મશીલો બંધારણીય અને ભારતીય મૂલ્યોનો ઉપહાસ ગણાવે છે.

14 એપ્રિલે જ્યારે બાબા સાહેબ આંબેડકરની 130મી જયંતી છે. ભારતીય સમાજના જે લોકોને વિશેષ રક્ષણ આપવાની જોગવાઈ કરવા માટે તેઓ હરહંમેશ પ્રયત્નશીલ રહ્યા તે સમાજની સ્ત્રીઓ સામે થતા અત્યાચારના આંકડાઓ જોઈ આંબેડકરવાદીઓનાં મનમાં દુખ સિવાય અન્ય કોઈ લાગણી ન આવી શકે તેવો નિષ્ણાતોનો મત છે.

નોંધનીય છે કે અનુસૂચિત જાતિ અને આદિવાસી સમાજના લોકો વિરુદ્ધ થતા અત્યાચારને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 1989માં શિડ્યૂલ્ડ કાસ્ટ્સ ઍન્ડ ટ્રાઇબ્સ (પ્રીવેન્શન ઑફ એટ્રોસિટી) ઍક્ટ લાગુ કરવામાં આવ્યો હતો.

આ કાયદા અંગેના નિયમો વર્ષ 1995માં ઘડવામાં આવ્યા હતા.

આ કાયદા અંતર્ગત અનુસૂચિત જાતિ અને આદિવાસી સમાજની વ્યક્તિ સામે અન્ય સમાજની વ્યક્તિઓ દ્વારા અત્યાચારને નિવારવાનો ધ્યેય નક્કી કરવામાં આવ્યો હતો.

કાયદાની કડક જોગવાઈઓ છતાં પણ 'વિકસિત' ગણાતાં ગુજરાત રાજ્યમાં પાછલાં દસ વર્ષમાં આ ઍક્ટ અંતર્ગત મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ નોંધાવાના વલણમાં વધારો જોવા મળ્યો છે.

અનુસૂચિત જાતિ અને આદિવાસી મહિલાઓ પર અન્યોની સરખામણીએ દુષ્કર્મ જેવા અત્યાચાર થવાનું જોખમ વધારે રહેલું હોવાનું નિષ્ણાતો અને કર્મશીલો જણાવે છે અને તેઓ એનાં કારણો પણ આપે છે.
        દલિત અને આદિવાસી મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓમાં વધારો
RTIના જવાબમાં રાજ્યના પોલીસવિભાગે અનુસૂચિત જાતિ અને આદિવાસી સ્ત્રીઓ સાથે બનેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે વિગતો આપી હતી.

આ અનુસાર પાછલાં દસ વર્ષમાં 814 અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હતું. જ્યારે આ જ સમયગાળામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ 395 આદિવાસી મહિલાઓ સાથે પણ દુષ્કર્મની ઘટના બની હતી.

જો આ વિગતો પરથી સરેરાશ કાઢવામાં આવે તો રાજ્યમાં દર ચાર દિવસે એક અનુસૂચિત જાતિની મહિલા અને દર દસ દિવસે એક આદિવાસી મહિલા સાથે દુષ્કર્મની ઘટના નોંધાતી હોવાની હકીકત સામે આવી છે.

આંકડાઓ પર ઊંડાણપૂર્વક નજર કરીએ તો પાછલાં દસ વર્ષમાં અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે સૌથી વધુ દુષ્કર્મના કિસ્સા અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, સુરત અને ભાવનગરમાં જોવા મળ્યા છે.

અમદાવાદ અને રાજકોટ આ મામલે અનુક્રમે 152 અને 96 કેસો સાથે પ્રથમ અને બીજા ક્રમાંક પર છે.

જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને અનુક્રમે 49, 45 અને 36 કેસો સાથે બનાસકાંઠા, સુરત અને ભાવનગર છે.

જો પાછલાં દસ વર્ષમાં અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે થયેલી દુષ્કર્મની ઘટનાઓમાં વધારા અંગે વાત કરીએ તો આ વર્ષ દરમિયાન આ ઘટનાઓમાં બમણો વધારો જોવા મળ્યો છે.

વર્ષ 2011માં જ્યારે સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે દુષ્કર્મની 51 ઘટનાઓ નોંધાઈ હતી. તેની સામે વર્ષ 2020માં આ ઘટનાઓની સંખ્યા 102 થઈ જવા પામી હતી.

અનુસૂચિત જાતિની મહિલાઓની જેમ જ આદિવાસી મહિલાઓ સાથે થયેલા દુષ્કર્મની ઘટનાઓમાં પણ રાજ્યમાં વધારો જોવા મળ્યો હતો.

મળેલ માહિતી અનુસાર ગુજરાતમાં પાછલાં દસ વર્ષમાં કુલ 395 મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના બની હતી.

દસ વર્ષોમાં સુરતમાં 50, ભરૂચમાં 41, પંચમહાલમાં 25, સાબરકાંઠામાં 18 અને બનાસકાંઠામાં પણ 18 આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હતું.

વર્ષ 2011માં 27 આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હતું, જ્યારે પાછલા વર્ષ 2020માં 46 આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના થઈ હતી.
ગુજરાતમાં આદિવાસી મહિલાઓ સાથે દુષ્કર્મના કિસ્સામાં વધારો નોંધાયો છે

"એક તો મહિલા હોવું અને એ પણ દલિત હોવું એ તેમના જીવનની મુશ્કેલીઓમાં પારાવાર વધારો કરે છે અને તેમને વધુ ને વધુ જોખમમાં મૂકે છે. આ કારણે તેમની સાથે દુષ્કર્મ જેવી ઘટનાઓ બનવાની શક્યતા વધી જાય છે."
એક મહિલાનું દલિત હોવું તેના માટે વધુ જોખમ ઊભું કરનારો સંજોગ બને છે.
"જેમ આપણે ત્યાં કહેવત છે કે 'ગરીબ કી જોરુ સબકી ગુલામ' એ મુજબ દલિત મહિલાઓ પોતાનાં જાતીય અને જ્ઞાતીય બંને સ્ટેટસને કારણે વધુ જોખમમાં હોય છે. તેથી તેમની સાથે દુષ્કર્મની ઘટનાઓ વધુ બની શકે તેનો ભય હંમેશાં રહેલો છે."
ડૉ. પરમાર દલિત મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને સોશિયલ મર્ડર ગણાવે છે.
"આદિવાસી મહિલાઓ પર અત્યાચાર થવાની શક્યતા એટલા માટે વધુ હોય છે કારણકે અન્ય સમાજના લોકોને ક્યાંકને ક્યાંક મનમાં તેમના સામાજિક દરજ્જા વિશે ખબર હોય છે."

"તેમને ખ્યાલ હોય છે કે આ મહિલા કે તેનો પરિવાર મારું કશું જ બગાડી નહીં શકે."
'આ મહિલાઓ સાથે અત્યાચારના ઘણા કિસ્સાઓની નોંધ નથી લેવાતી'

ડૉ. હસમુખ પરમાર કહે છે કે ખરા અર્થમાં મહિલાઓ સાથે જેટલા બળાત્કારના બનાવો બને છે તે પૈકી મોટા ભાગના કેસો રિપોર્ટ થતા નથી.

તેઓ જણાવે છે, "ગુજરાતનાં ગામડાંમાં હજુ પણ દુષ્કર્મ જેવી ઘટનામાં પીડિતે આરોપી પહેલાં સરપંચ સમક્ષ જવું પડે છે. તેથી ઘણા કિસ્સાઓ સ્થાનિકસ્તરે જ સમેટાઈ જતા હોય છે. પોલીસ સુધી પહોંચવાનો વારો જ નથી આવતો."

આ પ્રકારની પરિસ્થિતિને કારણે આવી ઘટનાઓનો ખરો આંકડો સામે આવી શકતો નથી. નીતા હાર્ડિકર પણ આ વાત સાથે સંમત થાય છે.

તેઓ કહે છે, "આદિવાસી વિસ્તારોમાં આદિવાસી મહિલાઓની ફરિયાદ લેવા બાબતે ઘણી વખત કેટલાક પૂર્વગ્રહને કારણે પોલીસ અધિકારીઓ દુષ્કર્મના કિસ્સાઓમાં પણ આનાકાની કરતા હોય છે."

"આ સિવાય ઘણી વખત પિતૃસત્તાક સમાજ હોવાને કારણે ઘરના વડીલો આવી ઘટનાઓથી પોતાની અને પોતાના કુટુંબની વગોવણી થશે તેવા ભયના કારણે પણ આવી ઘટનાઓ રિપોર્ટ કરતાં નથી. રિપોર્ટ ન થતી ઘટનાઓની સંખ્યા વધુ છે, તેમાં કોઈ બેમત નથી."