Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Tuesday, 31 December 2024

સાહેબ પાંચ કરોડથી નીચેમાં નહીં માને':અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી સહિત ત્રણે ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યો

સાહેબ પાંચ કરોડથી નીચેમાં નહીં માને':અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી સહિત ત્રણે ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યો
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદના આંબલી વિસ્તારમાં રહેતા એક વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક સસ્પેન્ડેડ પોલીસકર્મી સહિત ત્રણ લોકોએ 50 લાખ રૂપિયા પડાવી લેતાં ચકચાર મચી છે. વેપારી દ્વારા આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી CCTV આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્વાયો હતો. સસ્પેન્ડેડ પોલીસકર્મી જાણે ફરજ પર જ હાજર હોય એ રીતે વેપારીના ઘર પર પહોંચી તેને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી નીકળ્યો હતો અને રસ્તામાં કારમાં જ ધમકાવી 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આંબલી પાસે આવેલા સેન્ટોશા પાર્કમાં રહેતા મિહિર પરીખે ક્રાઇમ બ્રાંચમાં આકાશ પટેલ (રહે, રાઘે ઉપવન સોસાયટી, સાણંદ) અને બે અન્ય લોકો, જેણે પોલીસ તરીકેની ઓળખ આપી હતી તેની સામે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 50 લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાવી હતી.

મિહિર તેના પરિવાર સાથે રહે છે અને એસજી હાઇવે પર આવેલી શિવાલિક શિલ્પ કોમ્પ્લેક્સમાં એમ.પી. ફાઇનાન્શિયલ નામથી કંપની ચલાવે છે. કંપનીમાં મિહિર ઇન્શ્યોરન્સ અને મ્યુચ્યલ ફંડ સંબંધિત કામ કરે છે. આ સિવાય મિહિર એમ.પી. વર્લ્ડ ટ્રાવેલ્સ નામથી બીજો ધંધો કરે છે, જેની ઓફિસ આંબાવાડી પાસે આવેલા પ્રેસિડન્સ હાઉસમાં છે. ટ્રાવેલ્સના ધંધામાં મિહિર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટિકિટ તેમજ વિઝાનું કામ કરે છે. ટ્રાવેલ્સની કંપનીમાં કુલ 8 વ્યક્તિ કામ કરે છે.

ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી સસ્પેન્ડેડ કર્મી વેપારીના ઘરે પહોંચ્યો હતો મિહિર પોતાના ઘરે હાજર હતો ત્યારે તેના ફ્લેટના સિક્યોરિટી ગાર્ડનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસ આવી છે, જે તમને મળવા માંગે છે. સિક્યોરિટી ગાર્ડની વાત સાંભળીને મિહિરે પોલીસકર્મચારીને પોતાના ઘરે મોકલવાનું કહ્યું હતું. બિલ્ડિંગના મેનેજર સોમનાથભાઇ પોલીસકર્મચારીઓને લઇને મિહિરના ઘરે પહોચ્યા હતા.

મિહિરના ઘરે પહોંચતાંની સાથે જ પોલીસકર્મચારીઓએ સોમનાથભાઇને કહ્યું હતું કે અમે અહીં વાત કરી લઇશું, તમે જતા રહો. સોમનાથભાઇ જતા રહ્યા હતા ત્યારે સસ્પેન્ડેડ પોલીસકર્મચારીએ તેની ઓળખ આકાશ પટેલ તરીકેની આપી ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા હોવાનું કહ્યું હતું. મિહિરે આકાશ પટેલ પાસે ઓળખકાર્ડ માગ્યું હતું, જેથી તેણે પોતાનું કાર્ડ બતાવ્યું હતું. મિહિરે આઇકાર્ડ પરત આપી દેતાં આકાશ પટેલે જણાવ્યુ હતુ તમારી પર ફોરેન કરન્સીનો કેસ થયો છે તો તમારે મારી સાથે આવવું પડશે.

મિહિર તેની વાત માની ગયો હતો અને કહ્યું હતું કે હું તૈયાર થઇને આવું છું. મિહિર કપડાં બદલવા માટે ગયો ત્યારે તેણે તેની પત્ની ધારાને કહ્યું કે હું પોલીસવાળા સાથે જઉં છું. મિહિરે તેના ડ્રાઇવર અમરતભાઇને ફોન કરીને ગાડી ફ્લેટના મુખ્ય ગેટ પાસે લાવવાનું કહ્યું હતું. આકાશ પટેલ અને મિહિર બન્ને ફ્લેટના મેઇન ગેટ પાસે ગયા જ્યાં અમરતભાઇ ગાડી લઇને ઊભા હતા. અમરતભાઇને જોતાંની સાથે જ આકાશે મિહિરને કહ્યું હતું કે ડ્રાઇવરની કોઇ જરૂર નથી, જેથી તેને નથી લેવાનો. અમરતભાઇને ગાડીમાંથી ઉતારીને મિહિર ડ્રાઇવર સીટ પર બેસી ગયો હતો અને તેની બાજુમાં આકાશ પટેલ બેઠો હતો. મિહિર ગાડી ચલાવતો હતો ત્યારે આકાશ પટેલે કહ્યું કે મારા પોલીસ સ્ટાફના માણસો આગળ ઊભા છે, જો તમે કહો તો ગાડીમાં બેસાડી દઇએ, નહીં તો અમારી સ્ક્વોડની ગાડી બોલાવી લઉં. મિહિરે આકાશને કહ્યું કે ગાડી બોલાવવાની કોઇ જરૂર નથી પોલીસકર્મચારીઓને આપણી ગાડીમાં બેસાડી દઇએ.
ત્રિપુટીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 
મિહિરે બે માણસોને ગાડીમાં બેસાડી દીધા બાદ આકાશે બન્નેને કહ્યું કે આ મિહિરને હાથકડી પહેરાવી દો અને હું ગાડી ચલાવી લઉ છું. આકાશની વાત સાંભળીને મિહિરે જવાબ આપ્યો કે સાહેબ, હું ક્યાંય નથી ભાગી જવાનો? મને હાથકડી ન પહેરાવો. આકાશે મિહિરની વાત માનીને તેને હાથકડી પહેરાવી નહીં. મિહિરે આકાશ પટેલને પૂછ્યું કે આપણે ક્યાં જવાનું છે તો તેણે જવાબ આપ્યો કે આપણે ગાયકવાડ હવેલી જવાનું છે. મિહિરે ગાડી ગાયકવાડ હવેલી તરફ જવા રવાના કરી તો આકાશ પટેલે જણાવ્યું કે બે ગુનેગાર પકડાયા છે, તેમણે તમારું નામ આપ્યું છે. આકાશે મિહિરને કહ્યું કે તમે ફોરેન કરન્સીના લાઇસન્સ વગર ખોટું કામ કરો છો, તમે આ કેસમાં પકડાશો તો 14થી 15 વર્ષની સજા થશે. આખી જિંદગી જેલમાં જશે, આ ગુનો બિનજામીન પાત્ર છે, જો તમે પતાવટ કરવા માગો છો તો હું અમારા ઉપરી અધિકારી સાથે વાત કરું. આકાશની વાત સાંભણીને મિહિરે તેના પર થયેલા કેસ બાબતે પૂછ્યું હતું અને ઉપરી અધિકારી સાથે વાત કરવાનું જણાવ્યું હતું.

મિહિરની વાત સાંભળીને આકાશ પટેલ ઉશ્કેરાયો હતો અને સીધી ધરપકડ કરવાની વાત કરી હતી. આકાશની વાત સાંભળીને મિહિર ગભરાઇ ગયો હતો. આકાશે મિહિરને કહ્યું હતું કે તમે ફોરેન ટ્રાવેલિંગનું કામ કરો અને ફોરેન કરન્સીની એક્સચેન્જનો ધંધો લાઇન્સસ વગર કરો છો, જો બચવું હોય તો સેટલમેન્ટ કરવાની વાત કરી હતી. મિહિરે આકાશને કહ્યું કે મારી ઓફિસ આંબાવાડી છે તો આપણે ત્યાં જઇને વાત કરીએ. આકાશે ઓફિસ જવાનો ઇનકાર કરી દીધો હતો અને પાંજરાપોળ ખાસે આવેલી બોબી ટી સ્ટોલ પર ઊભા રહ્યા હતા. આકાશ પટેલે બન્ને પોલીસકર્મચારીઓને નીચે ઊતરી જવાનું કહ્યું હતું, જેથી તેઓ બન્ને ઊતરી ગયા હતા. આકાશ પટેલે મિહિરને કહ્યું કે તમે કેટલા રૂપિયા આપશો. મિહિરે જવાબ આપ્યો કે હું તમને 10થી 15 લાખ રૂપિયા આપી શકું છું.
જેલમાં મોકલવાનો ડર બતાવી 50 લાખ પડાવ્યા 
આકાશ પટેલે જણાવ્યું કે આટલા રૂપિયામાં કઇ ના થાય એમ છતાંય હું સાહેબ જોડે વાત કરું છું. બન્ને ગાડીમાંથી નીચે ઊતરી ગયા હતા, જ્યાં આકાશ પટેલે દૂર જઇને ફોન ઉપર વાત કરી હતી. આકાશે વાત કરી લીધા બાદ બન્ને ગાડીમાં બેસી ગયા હતા અને 50 લાખ રૂપિયાનું આંગડિયું કરાવી દેવાનું કહ્યું હતું. મિહિર પાસે આટલા રૂપિયા નહીં હોવાથી તેણે આકાશને આજીજી કરી હતી. આકાશે જેલમાં જવાનો ડર બતાવ્યો હતો. મિહિરે આકાશને 50 લાખ રૂપિયા આપી દેતાં તેને ઉતારી દીધો હતો. ત્યાર બાદ મિહિરને જાણવા મળ્યું હતું કે આકાશ પટેલ સાણંદમાં સસ્પેન્ડ થયેલો પોલીસકર્મચારી છે અને તેની સાથે બીજા બે પોલીસકર્મચારીઓ હતા. મિહિરે તરત જ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી, જેમાં ગુનો નોંધીને તપાસ કરતા CCTV હાથ લાગ્યા હતા જેના આધારે આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સાહેબ પાંચ કરોડથી નીચેમાં નહીં માને 
આકાશ પટેલે મિહિરને જણાવ્યું હતું કે સાહેબ પાંચ કરોડથી નીચે નહીં માને, પરંતુ તમે મને 50 લાખ રૂપિયા આપો તો હું તેમને સમજાવી દઇશ. મિહિરે અલગ અલગ રીતે 50 લાખ રૂપિયા આપી દીધા હતા અને બાદમાં ખબર પડી હતી કે તે પોલીસવાળો તો સસ્પેન્ડ થયેલો છે.

આકાશ પટેલ સાબરમતી પોલીસ સ્ટેશનમાંથી સસ્પેન્ડ 
પકડાયેલો આરોપી સસ્પેન્ડ આકાશ પટેલ 2016માં LRD તરીકે ભરતી થયો હતો. તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2023માં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વેપારી સંજય પટેલ ઓફિસના પાર્કિંગમાં બેઠા હતા ત્યારે પોલીસકર્મી આકાશ પટેલ તેના બે સાગરીતો સાથે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી બનીને પહોંચ્યો હતો. આરોપીઓએ સંજયભાઈને પૂછપરછ કરવા ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાના નામે અપહરણ કર્યું હતું. બાદમાં સરખેજ બાજુ લઇ જઈ બંદૂકની અણીએ 70 લાખની ખંડણી માગી હતી. તે અંગે 55 લાખમાં આંગડિયું કરાવી પૈસા લઈ લીધા હતા. જે મામલે સોલા પોલીસે આકાશ પટેલ સહિત ચાર શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આકાશ પટેલ સાબરમતી પોલીસ સ્ટેશનમાંથી સસ્પેન્ડ થયો હતો. 
જ્યારે બે વોન્ટેડ આરોપી પૃથ્વીસિંહ ધોળકામાં ગુજરાત ગેસમાં નોકરી કરે છે અને સાત્વીક કેબ ડ્રાઈવર છે. હાલ બંને આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. આરોપી આકાશ પટેલને સટ્ટામાં દેવુ થઇ ગયું છે. સાથે જ તેણે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉછીના લીધા છે. જેથી આરોપીએ 50 લાખ મળ્યા બાદ ઉધારી ચૂકવી હતી. સાથે જ તેણે તેના બંને સાગરીતોને એક એક લાખ આપવાનું કહીને એકપણ પૈસા આપ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, આ તોડબાજ આકાશ પટેલ અન્ય કોઇને ટાર્ગેટ કરીને પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.