દેશની ટોચની સરકારી દૂરસંચાર સેવા પ્રદાતા ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) પોતાની બેલેન્સશીટ મજબૂત કરવા 19000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ છટણી પ્રક્રિયા હેઠળ કંપની પોતાના કુલ વર્કફોર્સમાં 35 ટકાનો ઘટાડો કરશે.
કેવી રીતે કરશે છટણી
બીએસએનએલ પોતાના કાયમી કર્મચારીઓની છટણી કરવા માટે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (વીઆરએસ) લાગૂ કરી શકે છે. જેનાથી હજારો કર્મચારીઓની નોકરી પર અસર થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, વર્તમાન વર્કફોર્સમાં આશરે 18000થી 19000 કર્મચારીઓની છટણી થઈ શકે છે.
બીએસએનએલનું આ પગલું કંપનીની નાણાકીય સ્થિતિમાં સુધારો કરવા માટે છે.
કેમ છટણી થઈ રહી છે?
બીએસએનએલ લાંબા સમયથી ખોટનો સામનો કરી રહી છે. સરકાર પણ તેનું સંચાલન ચાલુ રાખવા નાણાકીય સહાયો કરી રહી છે. પરંતુ અપેક્ષિત પરિણામ મળ્યા નથી. હવે કંપની પોતાના ખર્ચાઓ ઘટાડવા કર્મચારીઓની સંખ્યા ઘટાડવા નિર્ણય લીધો છે.
વીઆરએસનો ઉદ્દેશ
વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ હેઠળ કર્મચારીઓને સ્વેચ્છાએ રિટાયરમેન્ટ લેવાનો પ્રસ્તાવ આપ્યો છે. જેમાં કંપનીને તત્કાલ રાહત મળે છે અને કર્મચારીઓને તેમની સેવાઓ માટે એક નિર્ધારિત રકમ સાથે છૂટા કરવામાં આવે છે.