ઓખા મંડળમાં શનિવારથી હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનના આજે (સોમવારે) ત્રીજા દિવસ સુધીમાં અંદાજિત 260થી વધારે રહેણાક બાંધકામ તોડી, 61 હજાર ચો.મીટર જેટલી જમીન ખુલ્લી કરાઈ છે. જેની બજાર કિંમત આશરે રૂ. 35 કરોડથી વધારે આંકી શકાય. આ સાથે ઓખા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા બે ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા. આ ધાર્મિક દબાણની જગ્યાની કિંમત આશરે સવા ત્રણ કરોડ જેટલી આંકવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સત્તાવાળાઓએ જણાવ્યું કે, આ અભિયાન હેઠળ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
આજે આશરે 1,500 સ્ક્વેર મીટરમાં રહેલું ગેરકાયદે ધાર્મિક સ્થળ તોડી પાડ્યું બેટના બાલાપર વિસ્તારમાં આજરોજ પ્રાંત અધિકારી અમોલ આવટે તેમજ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો આપતા પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું કે, ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી રહેલી એક ધાર્મિક સ્થળ સંદર્ભે તંત્ર દ્વારા જુલાઈ 2023માં પ્રથમ નોટિસ બાદ જુલાઈ 2024માં રિમાઇન્ડર નોટિસ અને શનિવાર તારીખ 11 જાન્યુઆરીના રોજ ફાઈનલ નોટિસ આપવામાં આવી હતી. જેનો કોઈ પ્રત્યુત્તર ન મળતા આ અંગેના દસ્તાવેજોની ચકાસણી કરાયા બાદ આજે આશરે 1,500 સ્ક્વેર મીટરમાં રહેલી આ ધાર્મિક સ્થળ સરકારી જગ્યા પર હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી આ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત રૂપિયા સવા ત્રણ કરોડ ગણવામાં આવી રહી છે.
આજે હાથ ધરવામાં આવેલા ડિમોલિશનમાં બે ધાર્મિક દબાણની સરકારી જમીન પર સરકારી બુલડોઝર ફર્યું હતું. જેમાં અંદાજિત રૂપિયા સવા ત્રણ કરોડની જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. આ પૂર્વે નિયમ મુજબ ત્રણ નોટિસ તેમજ લાગતા વળગતાઓ સાથે વાતચીત અને ડોક્યુમેન્ટેશન સંલગ્ન ચર્ચા વિચારણામાં જગ્યાની માલિકી સાબિત ન થઈ શકતા આ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.
આજરોજ દબાણ હટાવ ઝુંબેશના ત્રીજા દિવસના અંતે એક દિવસના કુલ 83 સ્ટ્રક્ચર સહિત ત્રણ દિવસમાં બે ધાર્મિક સહિત કુલ 260 જેટલા ગૌચર સહિતની સરકારી જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. 60,800 ચોરસ મીટર જગ્યા સરકારી જગ્યા ખુલી થઈ છે. જેની અંદાજિત બજાર કિંમત રૂ. 35 કરોડ આંકવામાં આવી છે.