- 3,000 વર્ષ પહેલાં રાજા શાઉલ, રાજા ડેવિડ અને રાજા સોલોમને 120 વર્ષ ગ્રેટર ઈઝરાયલ પર રાજ કર્યું: ઈઝરાયલ
- બાઈબલમાં દર્શાવ્યા મુજબ મધ્ય-પૂર્વમાં બે નદીઓ વચ્ચે અખંડ ઈઝરાયલ ફરી બનાવીશું: વિદેશ મંત્રાલય
દુનિયામાં અત્યારે હાલ જાણે 'અખંડ ધૂન' ચાલી રહી હોય તેમ અમેરિકા, મેક્સિકો પછી હવે ઈઝરાયલ સદીઓ જૂના તેમના 'અખંડ નકશા' દર્શાવી પાડોશી દેશો પર દાવા કરી રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સપ્ટેમ્બર 2024માં હમાસના હુમલા પછી શરૂ કરેલા યુદ્ધો બાદ હવે તેઓ ખુલ્લેઆમ 'ગ્રેટર ઈઝરાયલ' એટલે કે 'અખંડ ઈઝરાયલ'ની વાતો કરી રહ્યા છે, જેનાથી મધ્ય-પૂર્વમાં મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. આ પહેલાં ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને અમેરિકામાં સમાવી લેવાની વાત કરતા મેક્સિકોનાં મહિલા પ્રમુખ શિનબામે 'અખંડ મેક્સિકો'નો નકશો જાહેર કરી ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ધ ગ્રેટર ઈઝરાયલ પ્લાન યોજનાની જાહેરાત કરતા ઈઝરાયલના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક જૂનો નકશો જાહેર કર્યો છે અને કહ્યું છે કે તેઓ ઈઝરાયલને ગ્રેટર ઈઝરાયલ બનાવવા કટિબદ્ધ છે. ગ્રેટર ઈઝરાયલનો અર્થ એ અખંડ ઈઝરાયલ સાથે છે, જેમાં લેબનોન, જોર્ડન, સીરિયા, ઈરાક, પેલેસ્ટાઈન, ઈજિપ્ત અને સાઉદી અરબના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આજથી 3000 વર્ષ પહેલાં આ પૃથ્વી પર યહુદી સામ્રાજ્યનું શાસન હતું. ઈઝરાયલ મુજબ આ સમયના રાજા શાઉલ, રાજા ડેવિડ અને રાજા સોલોમને કુલ ૧૨૦ વર્ષ સુધી આ વિસ્તાર પર શાસન કર્યું હતું.
ઈઝરાયલના દાવા મુજબ આ એસમય હતો જ્યારે આ શાસનમાં યહુદી ધર્મનો સૌથી વધુ વિસ્તાર થયો, પરંતુ પાછળથી કસદી સામ્રાજ્યના હુમલાઓ પછી આ વિસ્તારમાં આરબોના ખલીફાઓનું શાસન આવ્યું અને અહીં મુસ્લિમોએ આવીને વસવાટ કર્યો, પરંતુ ઈઝરાયલ આજે પણ તેના મૂળને ભૂલ્યો નથી અને તે હજુ પણ ઈઝરાયલને અખંડ ઈઝરાયલ બનાવવા માગે છે.
ઈઝરાયલે દાવો કર્યો કે બાઈબલના પૂર્વ વિધાનમાં પણ ગ્રેટર ઈઝરાયલની સરહદોનો ઉલ્લેખ છે અને તેને પ્રોમિસ્ડ લેન્ડ ગણાવાયું છે. બાઈબલમાં પણ લખ્યું છે કે પયગમ્બર ઈબ્રાહિમને જે જમીન મળી હતી, તે જમીન ઈજિપ્તની નાયલ નદીથી ફરાત નદી સુધી છે અને આ જ કારણ છે કે ઈઝરાયલ તેના આધારે જોર્ડન, સીરિયા, ઈરાક, પેલેસ્ટાઈન અને સાઉદી અરબના વિસ્તારોને અખંડ ઈઝરાયલનો ભાગ માને છે. ઈઝરાયલે ૩,૦૦૦ વર્ષ જૂના ઈતિહાસને આધાર બનાવીને અખંડ ઈઝરાયલ બનાવવાનો દાવો કરતાં મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. તેમણે ઈઝરાયલના આ દાવા સામે તિવ્ર વાંધો ઉઠાવ્યો છે. સાઉદી અરબ, જોર્ડન, ઈજિપ્ત અને લેબનોનની સરકારોએ ઈઝરાયલના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ નકશાને તેમની સંપ્રભુતા પર હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરી રહ્યું છે. આ પહેલાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સપ્ટેમ્બર ૨૦૨૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગ્રેટર ઈઝરાયલનો નકશો જાહેર કરીને નવા વિવાદને જન્મ આપ્યો હતો.