સુરતથી પ્રયાગરાજ મહાકુંભ મેળા ખાતે જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના કોચ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહારાષ્ટ્રના જલગાંવ નજીક ટ્રેન પર પથ્થરમારો થતા B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
મળતી માહિતી મુજબ, પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભ મેળાનું આયોજન કરાયું છે. દેશભરના શ્રદ્ધાળુઓ મહાકુંભ મેળો જોવા માટે જઈ રહ્યા છે, ત્યારે મહાકુંભ મેળામાં શાહી સ્નાન કરવા માટે સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉધના રેલવે સ્ટેશનથી મહાકુંભ પ્રયાગરાજની ટ્રેનમાં નીકળ્યા હતા. જેમાં ટ્રેનના B-6 કોચમાં બાળકો, મહિલાઓ સહિત 30થી વધુ સુરતીઓ મુસાફરી કરી રહ્યા હતા.
આ દરમિયાન મહારાષ્ટ્રના જલગાંવથી ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેન પર પથ્થરમારો થયો હતો. જેમાં B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા. ટ્રેન પર પથ્થરમારો થતા મુસાફરોમાં ડર છવાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
રેલવેના અધિકારીએ શું કહ્યું?
સમગ્ર ઘટના મામલે સેન્ટ્રલ રેલવે સીપીઆરઓએ જણાવ્યું હતું કે, 'ટ્રેન પર પથ્થરમારો થયાની ઘટનાને લઈને તાત્કાલિક આરપીએફ જવાનોની એક ટીમને ટ્રેનમાં ડિપ્લોય કરાયા હતા અને ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'