ગેરકાયદેસરપણે અમેરિકામાં આવેલા લોકોને બહાર કરવા અને અમેરિકાની સીમાને સુરક્ષિત બનાવવી - એ ટ્રમ્પના સૌથી મોટા વાયદા પૈકી એક છે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટના પહેલા જ દિવસે પરવાનગી વગર અમેરિકામાં રહેતા વિદેશી વસાહતીઓને અટકાયતમાં લેવા અને તેમને દેશનિકાલ કરવા માટે દરોડા પાડવાનું શરૂ થઈ જશે. બીબીસીના યુએસ પાર્ટનર સીબીએસને સૂત્રોએ આમ જણાવ્યું છે.
ટ્રમ્પના "બૉર્ડર ઝાર"(સરહદના સમ્રાટ) ટૉમ હૉમન દ્વારા આ પ્રકારની ધમકી આપવામાં આવી છે પરંતુ તેઓ આ કામગીરી કઈ જગ્યાએથી શરૂ થશે તે હજુ સ્પષ્ટ નથી.
અગાઉના અહેવાલો સૂચવે છે કે શિકાગોમાં આ કામગીરીની શરૂઆત થશે જ્યાં મોટા પ્રમાણમાં વિદેશી વસાહતીઓ(પરવાનગી વગર) રહે છે.
પરંતુ હૉમને શનિવારે વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે સ્થળનું નામ લીક થવાના કારણે હવે ટ્રમ્પ વહીવટી તંત્ર આ અંગે પુનર્વિચાર કરી રહ્યું છે.
યુએસ ઇતિહાસના સૌથી મોટા દેશનિકાલ કાર્યક્રમની દોરવણીની ટ્રમ્પે પ્રતિજ્ઞા લીધી છે અને હૉમને કહ્યું છે કે આ દરોડામાં ગુનેગારો અને ગૅંગના સભ્યોને પ્રાથમિકતા આપીને તેમને પહેલા દેશનિકાલ કરવામાં આવશે.
આ કાર્યવાહીની શરૂઆત ક્યાંથી થશે?
ટ્રમ્પના "બૉર્ડર ઝાર"(સરહદના સમ્રાટ) ટૉમ હૉમને ગેરકાયદેસર વસવાટ કરતા લોકો પર મોટો દરોડો પાડવાનું વચન આપ્યું છે
હૉમને વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે વહીવટીતંત્રના આ કાર્યક્રમનાં અમલીકરણનાં ધ્યેયો શિકાગો કરતાં ઘણો વધુ વ્યાપક છે.
તેમણે જણાવ્યું, "ICE પહેલા જ દિવસથી જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ લોકોને પકડવાનું શરૂ કરશે."
તેમણે વધુમાં કહ્યું, "અમે દેશભરમાં એ લોકોની ધરપકડ કરીશું જે લોકો વહીવટી માર્ગદર્શનનું પાલન કર્યા વગર વસાહતી બન્યા છે. આ માટે શિકાગોનો જ ખાસ ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો તેની મને ખબર નથી."
આ અઠવાડિયે ફૉક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં 'બૉર્ડર ઝારે' (સરહદના સમ્રાટ) દેશભરમાં મોટા દરોડા પાડવાની વાત કહી હતી. તેમણે અગાઉ કહ્યું હતું કે શિકાગો આ સામૂહિક દેશનિકાલ માટેનું "ગ્રાઉન્ડ ઝીરો"(પ્રથમ સ્થળ) હશે.
હૉમેને સપ્તાહના અંતે ફૉક્સ ન્યૂઝ પર આ વહીવટની યોજનાઓને વિસ્તારથી સમજાવતા કહ્યું હતું કે આ દેશનિકાલ "દરોડાઓ" નહીં પરંતુ જે તે વિસ્તારમાં લક્ષ્ય સાથે કરવામાં આવેલી અમલીકરણની કામગીરી હશે.