અમેરિકાના રાષ્ટ્રપતિપદની કમાન સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને ઓવલ ઑફિસમાં એક પત્રકારે પૂછ્યું, આપણે નાટો (નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)ના એ સભ્ય દેશો અંગે શું આશા રાખીએ જે ખૂબ ઓછો ખર્ચ કરે છે. જેમ કે સ્પેનનું નાટોના બજેટમાં પાંચ ટકા કરતાં પણ ઓછું છે.
ટ્રમ્પે આ સવાલના જવાબમાં કહ્યું, સ્પેન ખૂબ ઓછો ખર્ચ કરે છે. શું એ બ્રિક્સનો સભ્ય છે?
રિપોર્ટે જવાબમાં કહ્યું - શું?
ટ્રમ્પે કહ્યું - એ બ્રિક્સના સભ્ય છે. સ્પેન. શું તમને ખબર છે કે બ્રિક્સનો સભ્ય દેશ શું છે? તમે જાણકારી મેળવજો. બ્રિક્સના દેશોએ જો ડૉલર સિવાય અન્ય કોઈ કરન્સી લાવવાની કોશિશ કરી તો અમેરિકા સાથેના કારોબારમાં 100 ટકા ટૅક્સ લાગશે.
સ્પષ્ટ છે કે સ્પેન બ્રિક્સનો સભ્ય દેશ નથી. બ્રિક્સમાં એસ સાઉથ આફ્રિકા માટે છે, જે વર્ષ 2010માં સામેલ થયું હતું. એ પહેલાં એ બ્રિક હતું - જેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીન હતા.
ટ્રમ્પે ભલે સ્પેનને બ્રિક્સનો સભ્ય દેશ ગણાવ્યો, પરંતુ બ્રિક્સ દેશો અંગે તેઓ પહેલાં જ ટેરિફ લગાડવાની ધમકી આપી ચૂક્યા છે.
બ્રિક્સ દેશો વચ્ચે અમેરિકન ચલણ ડૉલરના સ્થાને અન્ય કોઈ ચલણમાં વેપારની વાત ઊઠતી રહી છે. ટ્રમ્પને લાગે છે કે બ્રિક્સ દેશ ડૉલરને કમજોર કરવામાં લાગેલા છે.
ડિસેમ્બરમાં ટ્રમ્પે ઍક્સ પર લખેલી એક પોસ્ટમાં કહ્યું હતું, "બ્રિક્સ દેશો પાસેથી અમારે એવો વાયદો જોઈએ કે ના તો તેઓ નવું ચલણ બનાવી શકે અને ન ડૉલરની તાકને કમજોર કરવા માટે અન્ય કોઈ ચલણને સમર્થન જાહેર કરી શકે. જો તેઓ આવું કરે તો તેમણે 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે. આ દેશોએ અમેરિકાના શાનદાર અર્થતંત્રથી બહાર થવું પડશે."
સમગ્ર વિશ્વમાં ડૉલર પરથી નિર્ભરતા ઘટાડવાની વાત થતી રહે છે. ઘણા દેશોને એ ચિંતા થાય છે કે અમેરિકાના દબદબાવાળી વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા પર આધાર રાખવાની વાત એ ભવિષ્યમાં સંકટ નોતરી શકે છે.
રશિયાને અમેરિકાએ વર્લ્ડવાઇડ ઇન્ટરબૅન્ક ફાઇનાન્સિયલ ટેલિકૉમ્યુનિકેશન એટલ કે સ્વિફ્ટથી બહાર કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડદેવડ મામલે સ્વિફ્ટ ઘણું મહત્ત્વપૂર્ણ છે.
ઈરાનને પણ અમેરિકાએ સ્વિફ્ટમાંથી 2012માં જ અલગ કરી દીધું હતું. એ બાદ 2015માં ઈરાન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર થયું હતું. 2018માં જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ફરીથી ઈરાન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીદો ને સ્વિફ્ટમાંથી તેને સસ્પેન્ડ કરી દેવાયું.
વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ ડા સિલ્વાએ કહ્યું હતું કે, "બ્રિક્સનું નવું ચલણ બનવાથી ચુકવણી માટે નવા વિકલ્પ મળશે અને મુશ્કેલી સમયે અમારા માટે સરળતા રહેશે."
ગત વર્ષે ઑક્ટોબરમાં રસિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ યોજાઈ હતી. આ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, "ડૉલરનો ઉપયોગ એક હથિયાર તરીકે થઈ રહ્યો છે. આપણે ખરેખર આવું જ બનતા જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે જે કોઈ આવું કરી રહ્યું છે, તેઓ ભારે ભૂલ કરી રહ્યા છે."
ભારત પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થાનિક ચલણને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યું છે, જેથી ડૉલર પરથી નિર્ભરતા ઘટી શકે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રશિયા સાથે વેપારમાં રૂપિયાની ચુકવણીની પરવાનગી પણ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ભારત બ્રિક્સ દેશો વચ્ચે નાણાકીય એકીકરણનું સમર્થન કરે છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સ્થાનિક ચલણમાં વેપારથી આર્થિક સહયોગને તાકત મળશે.
ઑક્ટોબર 2024માં ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે અમેરિકન નીતિઓથી ઘણી વખત અમુક દેશોના કારોબાર જટિલ બની જાય છે. એસ જયશંકર પ્રમાણે ભારત પોતાનાં કારોબારી હિતોની વાત કરી રહ્યું છે અને તેનો હેતુ ડૉલરને ટાર્ગેટ કરવાનો નથી.