ભારતીય શૅરબજારોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વેચવાલી જોવા મળી રહી છે.
જાન્યુઆરી મહિનાનાં નવ ટ્રેડિંગ સેશનમાંથી છમાં વેચવાલી જોવા મળી હતી.
સોમવારે સતત ચોથા દિવસે બજાર ગગડ્યું હતું. બૉમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો આંક 1049 અંક ઘટીને 76 હજાર 330ના તળિયે પહોંચ્યો હતો.
આવી જ રીતે નૅશનલ સ્ટોક એક્સ્ચેન્જનો નિફ્ટી આંક 345 અંક ઘટીને 23 હજાર 86ના નીચલાસ્તરે પહોંચ્યો હતો.
ઑટો, બૅન્ક, સિમેન્ટ, સ્ટિલ, ફાર્મા સહિત તમામ સૅક્ટરમાં ઑલરાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. બીએસઈના 30 શૅરમાંથી માત્ર ઍક્સિસ બૅન્ક, ટીસીએસ, હિંદુસ્તાન યુનિલિવર તથા ઇન્ડસઇન્ડ બૅન્ક જ પૉઝિટિવ બંધ આવ્યા હતા.
ત્યારે શા માટે ભારતીય શૅરબજારોમાં ઘટાડો જોવાઈ રહ્યો છે અને કેમ તેમાં રિક્વરી નથી થઈ રહી?
જાણકારોના કહેવા પ્રમાણે, ભારતીય શૅરબજારોમાં ઊંચું વૅલન્યુએશન, કંપનીઓનાં અપેક્ષા કરતાં ખરાબ પરિણામો તથા અમેરિકાનાં બૉન્ડ યિલન્ડમાં વૃદ્ધિને કારણે પણ વિદેશી રોકાણકારોનો ભારતીય શૅરબજારોથી મોહભંગ થઈ રહ્યો છે
ક્રૂડ ઑઇલના ભાવોએ પણ રોકાણકારોના સૅન્ટિમેન્ટ પર અસર કરી છે. બ્રૅન્ટ ક્રૂડનો ભાવ 81 ડૉલર પ્રતિબેરલના સ્તરે પહોંચી ગયો છે, જે ગત ચાર મહિનામાં સર્વોચ્ચ સપાટીએ છે.
, "એવું માનવામાં આવે છે કે રશિયાના ક્રૂડ ઑઇલની નિકાસ મુદ્દે અમેરિકા કડક વલણ અપનાવે તેવી શક્યતા છે. જેની સૌથી વધુ અસર ભારત અને ચીન ઉપર પડશે."
ભારતનું અર્થતંત્ર ક્રૂડની આયાત ઉપર ભારે આધાર રાખે છે. એટલે ભારતીય બજાર અને મોંઘવારીના દર પર પણ તેની અસર થઈ શકે છે.
ડૉલરની સરખામણીમાં રૂપિયો સતત ઘટી રહ્યો છે. સોમવારે પણ આ નરમાશ યથાવત્ રહેવા પામી હતી. રૂપિયાએ 86ની સપાટી તોડી નાખી હતી. મતલબ કે એક ડૉલરની કિંમત રૂ. 86 કરતાં વધુ થઈ ગઈ હતી.
ક્રૂડતેલના ભાવોમાં વૃદ્ધિ અને બજારમાંથી વિદેશી રોકાણકારોના નિર્ગમનને કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો.
"એવું લાગે છે કે ભારતીય રિઝર્વ બૅન્ક અત્યારે રૂપિયાના ઘટાડામાં દખલ દેવા નથી માગતી, એટલે કદાચ આવનારા સમયમાં વધુ ઘટાડો જોવા મળે."
રૂપિયો નબળો પડતા નિકાસખર્ચ વધશે. જેના કારણે જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધશે. મોંઘવારી વધવાથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા વ્યાજઘટાડાના નિર્ણયને પાછો ઠેલવામાં આવે એવી શક્યતા પણ રહેલી છે.