નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે જમીન- મકાન લે-વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં હેરાનગતિની ફરીયાદો હતી. તેઓ ફક્ત રૂપિયા ત્રણ લાખ લેતા ઝડપાયાનો ગાંધીનગર ACBએ ખુલાસો કર્યો છે.
બનાસકાંઠામાં ACBએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ACB દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ તપાસ શરુ કરી છે. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા.
ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યું હતું. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ. 1,50,000/- લેખે બે મકાનના રૂ. 3,00,000/- લાંચની માંગણી નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના કહેવાથી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩, (ચાર્જ-કચેરી અધિક્ષક) નાઓએ કરી હતી.
લાંચના નાણાં ફરીયાદી લાંચિયા અધિકારીઓને આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કરતાં આજે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન લાંચીયો અધિકારી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી લાંચના નાણાં સ્વિકારી તે નાણાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને તેમના ચેમ્બરમાં આપતા, સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. હાલ તો એસીબી દ્વારા બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.