Breaking

यमन ने सऊदी अरब के सामने रखी अजीब शर्त, यमनियों की जाल में फंसा रियाज़...

Monday, 10 March 2025

ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ

ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા, ગ્રામજનોમાં ભયનો માહોલ
        ગુજરાત અંધ વિશ્વાસ તરફ અગ્રેસર?

ગુજરાતમાં હૈયું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. છોટા ઉદેપુરમાં લાલુ તડવી નામના એક ભૂવાએ તાંત્રિક વિધિના નામે હત્યા કરી દીધી છે. ભૂવો આટલેથી ન અટકતાં અન્ય એક બાળકની બલિ ચઢાવવા લઈ જતો હતો, ત્યારે ગ્રામજનોએ આ ભૂવાને જોઈ જતાં તાત્કાલિક પોલીસને ફોન કરી ભૂવાને જેલના સળિયા પાછળ મોકલી દીધો છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

છોટા ઉદેપુરના બોડેલી તાલુકના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. જોકે, આ ભૂવો ત્યાં સુધી અટકાયો નહતો અને અન્ય બલિ માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન ગામમાં રહેતાં સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાનો અણસાર આવી જતાં તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી બાળકનો જીવ બચાવ્યો હતો.

પોલીસે હાથ ધરી તપાસ

હાલ પોલીસે આ લાલુ તડવી નામના ભૂવાની ધરપકડ કરી છે. ભૂવા સામે હાલ હત્યાનો ગુનો દાખલ કરી સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હાલ બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. જોકે, ગ્રામજનો આ ઘટના બાદ ભય અને રોષમાં છે. લોકો પોતાના બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. 

નોંધનીય છે કે, કથિત રીતે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યમાં આવી ઘટના સામે આવતાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? 21 મી સદીમાં જ્યાં AI અને ડિજિટલ યુગની વાતો કરવામાં આવે છે, ત્યારે તાંત્રિક વિધિના નામે નાના ભૂલકાંઓની બલિ ચઢાવવામાં આવે છે. ત્યારે ગુજરાતની સુરક્ષાને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.