ગુજરાતના અંજારમાંથી માતા-દીકરાના સંબંધને લજવતી ઘટના સામે આવી છે. વાત એમ છે કે, અહીં 27 ફેબ્રુઆરીએ 50 વર્ષના દીકરાએ દારૂના નશામાં 80 વર્ષની માતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ વૃદ્ધાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ત્રીજી માર્ચે તેમનું મૃત્યુ નિપજ્યું છે. આ મામલે આરોપીના નાના ભાઈની પત્નીએ હવે અંજાર પોલીસ સ્ટેશનમાં સગી માતા સામે દુષ્કર્મ આચરી હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ નરાધમ દીકરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, હવે માતાનું મૃત્યુ થતા આ કેસમાં હત્યાની કલમ પણ ઉમેરાશે.
નરાધમ પુત્રનો કેસ નહીં લડવા અંજારના વકીલ મંડળના વકીલોએ લીધો સંકલ્પ
મળતી માહિતી અનુસાર, અંજાર તાલુકાના સતાપર ગામે 27મી ફેબ્રુઆરી માનવ જાતને હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી. 50 વર્ષીય પુત્રએ 80 વર્ષની માતા પર દુષ્કર્મ આચર્યું હતું. પુત્રએ આચરેલાં પાપના કારણે બ્રેઈન સ્ટ્રોક અને હેમરેજનો શિકાર બનેલી વૃદ્ધાએ બેહોશીની હાલતમાં વેન્ટિલેટર પર દમ તોડી દીધો છે. આ ઘટનાને લઈને નરાધમ પુત્ર સામે સમાજમાં સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે અંજાર બાર એસોસિએશન સાથે જોડાયેલાં વકીલોએ પણ આ જઘન્ય અપરાધના આરોપી પુત્રનો કેસ નહીં લડવા સંકલ્પ કર્યો છે.
અંજારના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલે જણાવ્યું કે, 'આ ગુનામાં દુષ્કર્મની સાથે હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની તજવીજ હાથ ધરી છે.'
જો કે, માતા-પુત્રના સંબંધીઓએ જણાવ્યું હતું કે, ‘આ આધેડ કોઈ કામધંધો કરતો નથી અને દારૂ પીવે છે. કેટલીક વખતે તો તે માતા પાસે દારૂ પીવા માટે પૈસા પણ માંગતો હતો. ના મળે તો માતાને ભીખ માંગવા મજબૂર કરતો. આ વ્યક્તિથી આખું ગામ ત્રસ્ત છે.'