ગુજરાત વિધાનસભામાં ડિમોલિશનનો મુદ્દો ચમક્યો હતો. વિપક્ષે એવો પ્રહાર કર્યા કે, જો ઉદ્યોગપતિ કે મળતિયાનું દબાણ હોય તો દાદા નરમ બની જાય છે. પણ ગરીબોના દબાણ હાય તો દાદા મક્કમ બની બુલડોઝર ફેરવી દે છે. સુરતમાં સરકારી જમીન પર ઝીંગાના તળાવો છે. એટલુ જ નહીં, આર્સેલર મિત્તલે લાખો ચો.મી જમીન પર દબાણ કર્યું છે. આ વાતને 30 વર્ષનો સમયગાળો વિત્યો છે. દાદાને આ દબાણો દેખાતા નથી. આ દબાણો પર દાદાનું બુલડોઝર કેમ ફરતું નથી તેવા સવાલો ઉઠ્યાં છે.
સુરત જિલ્લામાં સરકારી જમીનોમાં કેટલી ખાનગી કંપનીઓએ દબાણ કર્યુ છે તે અંગે માહિતી માંગવામાં આવી હતી. મહેસૂલ વિભાગે એવો ઉત્તર પાઠવ્યો છે કે, આર્સેલર મિત્તલ નીપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં 8,35,745 ચો.મી. જમીન ઉપર દબાણ કર્યુ છે. મહેસૂલ વિભાગે ખુદ કબુલ્યુ કે, 30 વર્ષ કરતા વધુ સમયથી આ દબાણો છે.
આ મામલે વિપક્ષના નેતા અમિત ચાવડાએ એવી પ્રતિક્રિયા આપી કે, ગુજરાતમાં દબાણ હટાવવા નામે ગરીબો હટાવવાનું સુવ્યવસ્થિત ષડ્યંત્ર ચાલી રહ્યું છે. દાદાના બુલડોઝરના નામે સરકાર વાહવાહી મેળવી રહી છે પણ
સવાલ એ છે કે, દાદાનું બુલડોઝર ફક્ત ગરીબો ઘર ઉપર ચાલે છે. ઉધોગપતિ કે ભાજપના મળતિયા પર દાદાનું બુલડોઝર કેમ ચાલતુ નથી?
દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી સમાજના લોકોના ઘર પર ચાલે, કેશવનગરમાં ઠાકોર સમાજના ઘર પર ચાલે, દ્વારકા, પાલનપુર હોય કે પછી અંબાજી. આ તમામ સ્થળોએ વિકાસ અને દબાણના નામે ગરીબોના મકાનો તોડી પાડવામાં આવે છે. આજે આ ગરીબો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યાં છે. બાળકો- પરિવાર સાથે ક્યાં જવુ એ સવાલ ઉભો થયો છે.
જ્યારે એક સમાજ ઉપર બુલડોઝર ચાલતુ હતુ ત્યારે ખુશ અને રાજી થનારા પર પણ દાદા નુ બુલડોઝર ચાલ્યુ ત્યારે પણ રાજી જ થવુ જોઈએ કારણ આપણે પણ અતિક્રમણ મા જ હતા
માનવતાના ધોરણે ગરીબોને મકાન માટે વૈકલ્પિક વ્યવસ્થા સુધ્ધાં કરી આપવામાં આવી નથી. ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, ભાજપનાના પ્રદેશ અધ્યક્ષ અને ગૃહમંત્રીના વિસ્તાર સુરતમાં મળતિયાઓના દબાણો દૂર કરવામાં આવતા નથી. સરકારી જમીનો પર બે કરોડ ચો.મી જમીન પર ઝીંગાના તળાવોના નામે ભાજપના મળતિયાઓએ દબાણો કર્યાં છે છતાંય સરકારને આ દબાણો હટાવવાનું સુઝતુ નથી. આ જોતાં એ વાત સ્પષ્ટ છે કે, દબાણો હટાવવાની નીતિમાં સ્પષ્ટ ભેદભાવ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગપતિઓ માટેની સરકાર છે એ વાત પણ સાચી ઠરી રહી છે.