રશિયાએ તાલિબાનને આતંકવાદી જૂથની યાદીમાંથી બહાર કર્યું છે. આ કવાયત સાથે રશિયાએ તાલિબાન પર 2003માં મૂકેલા પ્રતિબંધો પણ દૂર કર્યા છે. વિશ્વના દેશો સાથે અફઘાનિસ્તાનમાં પોતાની સરકારની માન્યતા અને ડિપ્લોમેટિક સંબંધ બનાવવાના પ્રયાસમાં તાલિબાનને મોટી જીત મળી છે.
રશિયા સુપ્રીમ કોર્ટે બે દાયકા પહેલાં તાલિબાન પર મૂકેલા પ્રતિબંધો દૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટના આ પગલાંથી મોસ્કો અને અફઘાનિસ્તાનમાં સ્વઘોષિત સરકાર ચલાવી રહેલા તાલિબાન જૂથ વચ્ચે સંબંધોમાં સુધારાનો સંકેત આપે છે. રશિયાની સરકારી એજન્સી તાસ અનુસાર, કોર્ટના નિર્ણય બાદ તાલિબાનને આતંકવાદી જૂથની યાદીમાંથી બહાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે, રશિયાએ તાલિબાન પર પ્રતિબંધ મૂક્યો હતો કે, તેની સાથે કામ કરનારી કોઈપણ સંસ્થા કે વ્યક્તિને રશિયાના કાયદા અનુસાર સજા આપી શકે છે.
રશિયામાં કોર્ટ પાસે પાવર છે કે, તેઓ ઈચ્છે તેને કોઈપણ આતંકવાદી જૂથમાં સામેલ કે બહાર કરી શકે છે. રશિયાએ 2003માં તાલિબાનને આતંકી જૂથ જાહેર કર્યું હતું. અફઘાનિસ્તાનના ઈસ્લામિક જૂથ તાલિબાને વર્ષ 2021માં અમેરિકાની સેનાની અફઘાનિસ્તાનમાંથી પીછેહટ બાદ સત્તા પર કબજો મેળવ્યો હતો. ત્યારથી મહિલાઓ અને બાળકો પર દમનકારી નીતિઓના કારણે વિશ્વભરના દેશોમાં તાલિબાન સરકારની ટીકા અને વિરોધ થઈ રહ્યા છે. જો કે, તાલિબાન વિશ્વ સાથે સંબંધો સુધારવા પ્રયત્નશીલ બન્યું છે. જેના ભાગરૂપે ગતવર્ષે જૂનમાં તાલિબાનના નેતાઓએ સેન્ટ પીટસ્બર્ગના આર્થિક મંચમાં ભાગ લીધો હતો.
રશિયાના વિદેશ મંત્રાલયે કોર્ટના નિર્ણય અંગે જણાવ્યું હતું કે, તાલિબાનને આતંકી જૂથમાંથી બહાર કરવુ એ એક મોટું પગલું છે. જેનાથી કાબુલની સાથે સરકારની ભાગીદારીનો માર્ગ મોકળો બન્યો છે. અમારો ઉદ્દેશ ડ્રગ્સ અને આતંકવાદ વિરૂદ્ધ લડાઈ લડી ક્ષેત્ર અને અફઘાનિસ્તાન સાથે પોતાના સંબંધો સુધારવાનો છે.
અફઘાનિસ્તાનની તાલિબાની સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુતાકીએ આ નિર્ણય માટે રશિયાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે સંબંધોને ગાઢ બનાવવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. બંને દેશો વચ્ચે રાજકીય અને આર્થિક સહયોગ વધારવામાં નડતા પડકારો આ નિર્ણયથી હવે દૂર થયા છે.