ઈઝરાયલમાં આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર હુથી વિદ્રોહીઓ દ્વારા મિસાઈલ હુમલો થતાં દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને અબુધાબી ડાયવર્ટ કરવામાં આવી છે. આ મિસાઈલ હુમલો એર ઈન્ડિયા ફ્લાઈટ AI139ના તેલ અવીવમાં લેન્ડિંગના કલાક પહેલાં જ થયો હતો.
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, એરઈન્ડિયાની ફ્લાઈટ જોર્ડિયન એરસ્પેસમાં હતી, ત્યારે અચાનક હુથીઓ દ્વારા બેન ગુરિયન એરપોર્ટ પર હુમલો થયો હતો. ઈઝરાયલની સેના આ મિસાઈલ હુમલો અટકાવવા નિષ્ફળ રહી હતી. જો કે, હુમલામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. છ જણ ઘાયલ થયા હતાં. હુમલા બાદ તમામ ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરવામાં આવી છે.
છ મે સુધી ફ્લાઈટ સેવાઓ સ્થગિત
એર ઈન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતાં તેલ અવીવ જઈ રહેલી તમામ ફ્લાઈટ્સને 6 મે, 2025 સુધી સ્થગિત કરવામાં આવી છે. ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને સંભવિત તમામ મદદ કરી રહ્યું છે, તેમજ તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
3થી 6 મે સુધીની તમામ ફ્લાઈટ્સ બુકિંગને રિશિડ્યુલ તેમજ કેન્સલ કરવા પર સંપૂર્ણ રિફંડ આપવાની જાહેરાત પણ કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે, તેલ અવીવમાં સ્થિત ઈઝરાયલનું મુખ્ય એરપોર્ટ આ હુમલા બાદ બંધ કરવામાં આવ્યું છે. યમનથી મિસાઈલ હુમલો થયા બાદ એર ટ્રાફિક અને અન્ય ગતિવિધિઓ અટકાવી દેવામાં આવી છે. અંતિમ તપાસ બાદ એરપોર્ટ ફરી શરૂ કરવામાં આવશે.