હેરિટેજ સિટી ગણાતા અમદાવાદની બીજી ઓળખ ભૂવા સિટી તરીકેની છે. હજી તો ચોમાસું શરૂ થયું નથી ત્યાં જ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મકરબા મેઈન રોડ સિક્સ લેન બનાવ્યા ને માંડ છ મહિના જેટલો સમય થયો છે ત્યાં આ જ મેઈન રોડ પર મસમોટો ભૂવો પડી ગયો છે.
ખોબા જેવડા ખાડામાંથી રિક્ષા પસાર થવા ગઈ ને... મકરબા મેઈન રોડ પર આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક આ ભૂવો પડ્યો છે. એક રિક્ષાચાલક રાબેતા મુજબ આ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નાનકડો ખાડો હતો. રિક્ષાચાલકનું ધ્યાન ન રહ્યું અને સાવ ખોબા જેવડા ખાડા પરથી પસાર થયો ત્યાં અચાનક રસ્તો બેસી ગયો ને ધડાકા સાથે ભૂવો પડ્યો અને રિક્ષાનો આગળનો અડધો ભાગ અંદર ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમજ ચાલક પણ લોહીલુહાણ થઈ ગયો હતો. ઘાયલ રિક્ષાચાલકને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
રિક્ષાચાલક રણજિતભાઈ એ કહ્યું કે હું તો રાબેતા મુજબ રિક્ષા લઈને નીકળ્યો હતો. સાવ નાનકડો ખાડો હતો, મારું ધ્યાન રહ્યું નહીં ને નાનકડા ખાડા પરથી રિક્ષા પસાર થઈ. ત્યાં તો અચાનક મોટો ભૂવો પડી ગયો ને રિક્ષા અંદર ઘૂસી ગઈ. મારું માથું પણ કાચ સાથે અથડાયું. ચહેરા પર લાગવાથી લોહી નીકળ્યું છે.