સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા PSI, ASI અને 1 સાગરીત પોલીસ ચોકીમાં જ રંગેહાથ 63 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. પૈસાની લેતીદેતીની અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયા માગ્યા હતા. દરમિયાન એસીબીને ફરિયાદ કરવામાં આવતા છટકું ગોઠવી રૂપિયા લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. હાલ એસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પૈસાની લેતીદેતીની અરજી બાબતે લાંચ માગી હતી મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ PSI મધુ રબારી કરતા હતા. PSI મધુ રબારીના રાઇટર તરીકે નવનીત કુમાર જેઠવા ફરજ બજાવતો હતો. ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીને લઈ પૈસા અપાવવા માટે PSI દબાણ કરતા હતા. દબાણ ઓછું કરવા માટે PSIએ 63 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.
ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને આ બાબતે ACBને જાણ કરી હતી. વડોદરા ACB દ્વારા PSI વતી લાંચ લેનાર ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની હીરાબાગ પોલીસ ચોકી ખાતે 63,000 સાથે ધરપકડ કરી હતી. માનસિંહે PSI મધુ રબારી અને નવનીત જેઠવાનું નામ ACB સમક્ષ જણાવ્યું હતું. જેથી ACB દ્વારા PSI મધુ રબારી, ASI નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની ધરપકડ કરી હતી.