સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન ત્રીજા દિવસે પણ ચાલુ છે. 9500 કરોડનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેરના વિરોધમાં પશુપાલકોએ દૂધનો સપ્લાય બંધ કર્યો છે, જેના કારણે ડેરીનું પાઉડર ઉત્પાદન હાલ ઠપ થયું છે. આંદોલન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણમાં એક યુવકનું શંકાસ્પદ મોત થયું હતું, જેનાથી પશુપાલકોમાં રોષ વધ્યો છે.
સાબર ડેરીએ ગત વર્ષની જેમ ભાવફેર આપવાની જાહેરાત કરી, પરંતુ પશુપાલકોની 25% ભાવવધારાની માગણી અને ધરપકડ કરાયેલા નિર્દોષ પશુપાલકોની મુક્તિની શરતે 16 ઝોનની 400 મંડળીઓએ દૂધ ભરવાનું ટાળ્યું છે. હિંમતનગર ઝોનની 60 મંડળીઓએ ડેરીના ડિરેક્ટર સાથે બેઠકમાં ભાવવધારા અને ધરપકડનો વિરોધ કર્યો, જેમાં ડિરેક્ટરે સુખદ ઉકેલની ખાત્રી આપી.
દૂધની આવકમાં 15 લાખ લીટરનો ઘટાડો થયો છે, જોકે ડેરીના એમ.ડી.એ 11 લાખ લીટરની આવક અને 15 લાખ લીટરનો સંગ્રહ હોવાનું જણાવ્યું છે. આંદોલનને લઈને ખેડબ્રહ્મા વિભાગમાં પશુપાલકોએ દૂધ ઢોળવાને બદલે ગરીબ પરિવારોને 500 ગ્રામથી 2 લીટર સુધી મફત દૂધનું વિતરણ કર્યું.
આ આંદોલનથી ગુજરાતના બીજા સૌથી મોટા દૂધ ઉત્પાદક જિલ્લા સાબરકાંઠાની ડેરી અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે, જ્યાં 1800 મંડળીઓ બોયકોટમાં જોડાઈ છે.