અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી એક 30 વર્ષીય મહિલાનું જીવન કોઈ બોલિવૂડ ફિલ્મની કહાનીને ટક્કર આપે તેવું બની ગયું છે. 2014માં થયેલા લગ્ન બાદ બે બાળકોની માતા બનેલી આ મહિલાને 2024માં ખબર પડી કે તેનો પતિ તેની જ માસી સાસુ સાથે લગ્નેતર સંબંધ રાખે છે. આટલું જ નહીં, તેણે બીજી એક યુવતી સાથે પણ દામ્પત્ય જીવન જીવવાની શપથ લીધી હતી. આ બધાથી કંટાળીને મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિગતે વાત કરીએ તો, આ મહિલાના લગ્ન 2014માં તેના સમાજના એક યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે સંતાનો થયા, અને શરૂઆતમાં તેમનું જીવન સુખમય હતું. પરંતુ 2024માં મહિલાને જાણ થઈ કે તેનો પતિ તેની માસી સાસુ સાથે ગેરકાયદેસર સંબંધ રાખે છે. જ્યારે મહિલાએ આ અંગે પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પતિએ તેની સાથે છૂટાછેડા આપવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. આ બાબતે મહિલાએ તેના સાસુ-સસરાને જાણ કરી, પરંતુ તેમના પુત્રએ તેમની સાથે પણ ઝઘડો કર્યો અને ઘર છોડી દેવાની ધમકી આપી. પતિએ મહિલાને પણ ધમકી આપી કે, “જો તું છૂટાછેડા નહીં આપે, તો હું મારી પ્રેમિકાને ઘરે લાવીશ, અને જો તેનો વિરોધ કરીશ તો તને અને મારી જાતને મારી નાખીશ.” બાળકોના ભવિષ્યની ચિંતાથી મહિલા આ બધું સહન કરતી રહી. આ દરમિયાન, તાજેતરમાં મહિલાને ખબર પડી કે તેના પતિએ ત્રીજી યુવતી સાથે પણ લગ્નેતર સંબંધ બાંધ્યો છે. જ્યારે માતા-પિતાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેમની સાથે મારઝૂડ કરી અને ઘર છોડી દેવાનું કહ્યું. જૂન 2025માં પતિ આ મહિલા અને બાળકોને છોડીને ત્રીજી યુવતી સાથે રહેવા ચાલ્યો ગયો. તપાસમાં જાણવા મળ્યું કે તેણે બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હતા, જે રજીસ્ટર પણ થઈ ગયા હતા. આ બધાથી કંટાળીને મહિલા, તેની સાસુ સાથે નારોલ પોલીસ સ્ટેશન પહોંચી અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં પતિ પર લગ્નેતર સંબંધો, માનસિક ત્રાસ અને ધમકીઓના આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અમદાવાદની ચોંકાવનારી ઘટના: પતિના માસી સાસુ સાથે લગ્નેતર સંબંધ, બીજી યુવતી સાથે લગ્ન, પત્નીએ નોંધાવી ફરિયાદ