સિદ્ધપુર, 8 સપ્ટેમ્બર 2025: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ અને ડેમો છલકાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આવા સમયે પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પૂરમાં મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી જવાની દુ:ખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે સગી બહેનોના મોત થયા છે, જ્યારે એક યુવતીને બચાવી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સરસ્વતી નદીમાં આવેલા પૂરમાં મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં સજના છનાજી ઠાકોર (ઉં.વ. 19) અને કાજલ વનરાજજી ઠાકોર (ઉં.વ. 15) નું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ત્રીજી યુવતી કાજલ છનાજી ઠાકોર (ઉં.વ. 22) ને બચાવી લેવામાં આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે, અને તંત્રએ લોકોને નદીના કિનારે ન જવાની સૂચના આપી હતી. આમ છતાં આ દુર્ઘટના બની, જેનાથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરની ત્રણ યુવતીઓ ડૂબી, બે બહેનોના મોત