ગુજરાત સાયબર ક્રાઇમ સેલે અમદાવાદની એક વરિષ્ઠ નાગરિક મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી મોટી સફળતા હાંસલ કરી છે. આરોપીઓને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. ગાંધીનગર ખાતેના સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સાયબર ક્રાઇમના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, 1 ઓક્ટોબરે આરોપીઓએ પીડિત મહિલાને ફોન કરી, પોતે TRAIના અધિકારી હોવાનું જણાવી CBI અને RAW જેવી એજન્સીઓનો ડર બતાવ્યો હતો. આરોપીઓએ મહિલાને ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે 80 દિવસ સુધી ડરાવીને રૂ.11.42 કરોડની રકમ પડાવી લીધી હતી. પોલીસે દિનેશ લીંબચિયા, કશ્યપ બેલાની અને ધવલ મેવાડાની ધરપકડ કરી છે.
ફાઉન્ડેશનના નામે નાણાકીય ગોટાળો
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ એક ફાઉન્ડેશનના નામે નાણાકીય વ્યવહારો કરતા હતા અને ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. આ આરોપીઓ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાં પણ સાયબર ગુનાઓમાં સંડોવાયેલા છે. તેમની સામે કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે, જેમાંથી 3માં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે અને 8 ગુનાઓની તપાસ ચાલુ છે.