ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં જાહેર માર્ગ પર અતિક્રમણ દૂર કરવા માટે 8 દુકાનોના પ્રસ્તાવિત ડિમોલિશનને ગુજરાત હાઈકોર્ટે 16 ઓક્ટોબર, 2025 સુધી યથાસ્થિતિમાં રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આઠ દુકાનદારોને તેમના દાવાઓને સમર્થન આપતા દસ્તાવેજો રજૂ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. જો આ સમયગાળામાં યોગ્ય પુરાવા રજૂ નહીં થાય, તો અધિકારીઓ ડિમોલિશનની કાર્યવાહી આગળ વધારી શકશે.
અરજદાર દુકાનદારોએ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા 6 ઓક્ટોબરે જારી કરાયેલી નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી, જેમાં તેમને અતિક્રમણ દૂર કરવા માટે માત્ર બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. અરજદારોના વકીલે દલીલ કરી કે નોટિસમાં દુકાનદારોને સુનાવણીની પૂરતી તક આપવામાં આવી નથી અને તેઓ વર્ષોથી આ સ્થળે વ્યવસાય કરી રહ્યા છે. વકીલે એમ પણ જણાવ્યું કે નવરાત્રી દરમિયાન બનેલા કોમી ઘર્ષણને કારણે આ કાર્યવાહી એક પ્રકારની સજા તરીકે કરવામાં આવી રહી છે.